ગઈકાલથી ખેડૂતો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. રસ્તા પર ડુંગળી ફેંકી ખેડૂતોએ રસ્તા પર ચક્કાજામ કરી દીધો છે. સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર લવાયેલા નિર્ણયનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. નિકાસ બંધ થવાને કારણે ખેડૂતોને ડુંગળીના ભાવ નથી મળી રહ્યા જેને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ડુંગળીના ભાવને લઈ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે વિરોધ કરી રહેલા 10 ખેડૂતોની અટકાયત કરી લેવામાં આવી છે. ગોંડલ યાર્ડમાં ડુંગળીની હરાજી સતત બીજા દિવસે બંધ રાખવામાં આવી છે. આત્મવિલોપનની ચીમકી પણ ખેડૂતોએ આપી હતી.
ડુંગળીના નિકાસ પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ!
ડુંગળીના નિકાસ પર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. નિકાસ બંધની સીધી અસર ખેડૂતોની આવક પર પડી છે. સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો જેને કારણે જગતના તાત ચિંતિત બન્યા છે. નિકાસ બંધીના નિર્ણય પર ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. રસ્તા પર ખેડૂતોએ ડુંગળી ફેંકી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. અનેક જગ્યાઓથી ખેડૂતો વિરોધ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ડુંગળીનો નિકાસ ફરી શરૂ કરવામાં આવે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે. ડુંગળી રસ્તા પર ફેંકી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ગઈકાલે પણ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આજે પણ ખેડૂતોનો વિરોધ યથાવત જોવા મળ્યો છે.
રસ્તા પર ડુંગળી ફેંકી ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ
ગરીબોની કસ્તુરી ડુંગળીને માનવામાં આવે છે. રોટલો અને ડુંગળી ખાઈને અનેક પરિવારો ગુજરાન ચલાવતા હોય છે. નિકાસને ધ્યાનમાં રાખી, સારી કમાણી થઈ શકે તેવી આશા સાથે ખેડૂતોએ આ વખતે ડુંગળીનું વાવેતર વધારે કર્યું છે. એક તરફ ખેડૂતોએ સારી કમાણીની આશા રાખી પરંતુ દર વખતની જેમ ખેડૂતોના પડ્યા પર પાટું પડ્યું તેવી સ્થિતિનું નિર્માણ થયું. નિકાસ પર પ્રતિબંધ મૂકાવવાને કારણે ડુંગળીના ભાવમાં ઘટાડો થઈ ગયો છે. એક સાથે મોટા પ્રમાણમાં ભાવ ઘટાડો થવાને કારણે ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને અનેક યાર્ડોમાં હરાજી બંધ કરવામાં આવી છે. આજે પણ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. અનેક રસ્તાઓ પર ખેડૂતોએ ચક્કાજામ કર્યો છે. અનેક ખેડૂતે આત્મવિલોપનની ચીમકી આપી હતી જે બાદ પોલીસે તેમની અટકાયત કરી લીધી છે.
પાલ આંબલિયા તેમજ રાજુ કરપડાએ આપી પ્રતિક્રિયા
ખેડૂતોના વિરોધના સમર્થનમાં પાલભાઈ આંબલિયા તેમજ આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ અધ્યક્ષ રાજુ કરપડાએ પણ પ્રતિક્રિયા આપી છે. પાલભાઈ આંબલિયાએ પણ સરકાર પર પ્રહારો કર્યા છે. પાલ આંબલિયાના કહ્યા અનુસાર સરકારના ચાવવાના અને બતાવવાના દાત અલગ છે. એક બાજુ સરકાર 2022 માં ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરતી હતી. ખેડૂતોની આવક ડબલ તો ન થઈ અડધી થઈ ગઈ છે. જ્યારે જ્યારે ખેડૂતોને ખેત પેદાશના ભાવ વધારે મળ્યા છે ત્યારે ત્યારે સરકાર હરકતમાં આવી છે. અત્યારે ખેડૂતોને ડુંગળીના ભાવ સારા મળતા હતા સરકારે નિકાસબંધી કરી દીધી. ગયા વર્ષે કપાસના ભાવ સારા મળતા હતા ત્યારે પણ સરકારે નિકાસબંધી કરી દીધી હતી.