2022 ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ પોલિટિકલ પાર્ટીઓ પ્રચાર માટે મેદાનમાં આવી ગઈ છે. આમ આદમી પાર્ટી તેમજ ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પ્રચાર કરી રહી છે. ગુજરાતમાં ભાજપનો દબદબો યથાવત રહે તે માટે ભાજપના દિગ્ગજ નેતાઓ ગુજરાત આવી પ્રચાર કરી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા હાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. પોતાની યાત્રા દરમિયાન રાજકોટમાં તેમણે જનસભા યોજી હતી તે બાદ મોરબી ખાતે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
વિપક્ષી પાર્ટી પર કર્યા પ્રહાર
સૌરાષ્ટ્રને ગુજરાતની રાજનીતિનું એપી સેન્ટર માનવામાં આવે છે. દરેક પાર્ટી સૌરાષ્ટ્ર પર વધારે ધ્યાન આપી રહ્યા છે. રોજકોટમાં વિશાળ જનસભાને સંબોધતા જે.પી.નડ્ડાએ રાજકીય પાર્ટીઓ પર પ્રહાર કર્યા હતા. તેમણે નામ લીધા વગર કોંગ્રેસ પર પ્રહાર તેમણે કોંગ્રેસ પર ભાઈ બહેનની પાર્ટી હોવાનો કટાક્ષ કર્યો હતો. તેમણે પોતાના ભાષણમાં કોંગ્રેસથી લઈ પીડીપી પાર્ટી પર નિશાન સાધ્યું હતું.
ગુજરાત મોડલના કર્યા વખાણ
દેશ-વિદેશમાં પ્રખ્યાત થયેલા એવા ગુજરાત મોડલના વખાણ કરતા તેમણે કહ્યું કે ગુજરાતના કેટલાક આદર્શ પ્રોજેક્ટ છે જેમાં ડિજિટલ ગુજરાત, રિન્યુએબલ એનર્જી સહિતના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. વધુમાં તેમણે કહ્યું હતું કે ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓનો આભાર માનું છું. સૌરાષ્ટ્ર સંતોની ભૂમિ છે, આ ભૂમિને નમન કરૂ છું, કોરોના કાળમાં અન્ય પાર્ટીના લોકો આઈસોલેટ થયા હતા ત્યારે આપ બધા લોકો વચ્ચે હતા માટે અભિનંદન પાઠવું છું.