ગઈકાલથી આસમાની આફતને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ખેડૂતોની સ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે. ઉભા પાકને મોટા પાયે આ માવઠાને કારણે નુકસાન થયું છે. રાજ્યના અલગ અલગ જિલ્લાઓથી ખેડૂતની વેદનાના વીડિયો સામે આવ્યા છે. જગ્યા ભલે અલગ હોય પરંતુ ખેડૂતોની પરિસ્થિતિ સરખી જ છે. સુરતથી એક દ્રશ્ય સામે આવ્યું જેમાં પાકને વ્યાપક નુકસાન થયું છે જેને કારણે ખેડૂતને રડવાનો વારો આવ્યો છે.
ખેડૂતોની વેદના આપણે નહીં સમજી શકીએ!
આપણે અનેક વખત થાળીમાં ભોજન રાખી મુકીએ છીએ. એમ માનીને કે આટલામાં કંઈ ન બગડે. જમણ વારમાં પણ અનેક વખત આપણે જોયું હશે કે ભોજનનો વેડફાટ થાય છે. આપણે એવું માનીએ છીએ કે આટલું ભોજન વેડફવાથી કઈ નહીં થાય પરંતુ આપણે એ વખતે ભૂલી જઈએ છીએ કે આ ભોજન આપણી થાળી સુધી પહોંચ્યું તે માટે ખેડૂતોએ કેટલી મહેનત કરી હશે. એ વસ્તુઓનો આપણને કદાચ ખ્યાલ પણ ન હોય કે ખેતરમાં ખેતી કરતી વખતે ખેડૂતોના શું હાલ થાય છે.
દેવાંશી જોષીને ખેડૂતોએ જણાવી આપવીતિ!
જેતપુરમાં જ્યારે દેવાંશી જોષી ગયા હતા ત્યારે ખેડૂતોએ આપવીતિ કહી હતી. સરકાર સહાયના વાયદા કરે છે પરંતુ જ્યારે સહાય ચૂકવવાની વાત આવે છે ત્યારે સરકાર કરેલા વાયદા ભૂલી જતી હોય છે તેવી વાત ખેડૂતે કરી હતી. સુરતથી પણ આ પ્રકારના જ દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે ખેડૂતોની વેદનાને સમજાવતા અનેક વીડિયો જોઈએ. મહત્વનું છે કે માવઠાને કારણે કઠોળ જેવા પાક તુવેર, ચણા, ધાણા અને એરંડાના પાકને નુકશાન થવાની ભીતિ છે.કરા પડતાની સાથે જ ખેડૂતો ચિંતિત બન્યા છે, કરા પડવાના કારણે ખેતરમાં ઉભા પાકને મોટુ નુકસાન થઇ શકે છે, ખાસ કરીને ધાણા સહિતના પાકોમાં મોટા નુકસાની ની ભીતિ છે.