કેન્દ્ર સરકારે મંગળવારે જાહેરાત કરી હતી કે તે ઘઉં અને ઘઉંના લોટના ભાવમાં ઘટાડો કરવા માટે વધારાના 20 લાખ ટન ઘઉંને ખુલ્લા બજારમાં ઉતારશે. ઘઉં અને લોટના ભાવમાં વધારાને રોકવા માટે કેન્દ્રએ 25 જાન્યુઆરીએ તેના બફર સ્ટોકમાંથી 30 લાખ ટન ઘઉં ખુલ્લા બજારમાં વેચવાની જાહેરાત કરી હતી. એક સત્તાવાર નિવેદન અનુસાર, સરકારે નિર્ણય લીધો છે કે જાહેર ક્ષેત્રની ખાદ્ય નિગમ ઓફ ઈન્ડિયા (FCI) ઓપન માર્કેટ સેલ સ્કીમ (OMSS) હેઠળ ખુલ્લા બજારમાં વધારાના 20 લાખ ટન ઘઉંનું વેચાણ કરશે.
ઘઉંની અછત દુર કરવા પ્રયાસ
આ સ્ટોક ઈ-ઓક્શન દ્વારા ફ્લોર મિલરો/ખાનગી વેપારીઓ/જથ્થાબંધ ખરીદદારો/ઘઉંના ઉત્પાદનોના ઉત્પાદકોને વેચાણ માટે ઉપલબ્ધ રહેશે. સૂત્રોએ જણાવ્યું હતું કે ઘઉં સ્ટોકને ખુલ્લા બજારમાં વેચવાની દરખાસ્ત મંત્રીઓના એક જૂથ દ્વારા હાથ ધરવામાં આવી હતી. તેમણે કહ્યું, 'અત્યાર સુધી OMSS હેઠળ 50 લાખ ટન (30+20 લાખ ટન) ઘઉંને ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 20 લાખ ટન ઘઉંના વધારાના વેચાણ સાથે અનામત કિંમતમાં ઘટાડો ગ્રાહકો માટે ઘઉં અને ઘઉંના ઉત્પાદનોની બજાર કિંમત ઘટાડવામાં સામૂહિક રીતે મદદ કરશે.