ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતા દરેક રાજકીય પક્ષ પ્રચાર કરી મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચૂંટણી પ્રચાર માટે ભાજપે કેન્દ્રીય મંત્રીઓની અને સ્ટાર પ્રચારકોની ટીમને ગુજરાતમાં ઉતારી છે. ત્યારે ભાજપનો પ્રચાર કરવા સ્મૃતિ ઈરાની ગુજરાતના પ્રવાસે છે. આણંદમાં પ્રચાર માટે ગયેલા સ્મૃતિ ઈરાનીએ પોતાનો કાફલો રોકી પાણીપુરી આરોગી હતી. સ્મૃતિ ઈરાનીનો પાણીપૂરી ખાતો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
સ્ટ્રીટ ફૂડ ખાઈ મતદારોને આકર્ષવા નેતાઓનો પ્રયાસ
આણંદના પ્રવાસે આવેલા કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પ્રચાર દરમિયાન પોતાનો કાફલો રોકી સામાન્ય માણસની જેમ પાણીપુરી આરોગી હતી. તેમનો પાણીપુરી ખાતો વીડિયો અને ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ચૂંટણી સમયે સ્ટ્રીટ ફુડ ખાવાનો હવે ટ્રેન્ડ બની ગયો હોય એવું લાગી રહ્યું છે. કારણ કે નેતાઓ દ્વારા કરવામાં આવતા આવા પબ્લીસીટી સ્ટંટની અસર લોકોના દિમાગ પર મહંદ અંશે પડતી હોય છે.
હર્ષ સંઘવીએ વડાપાઉની મજા માણી
થોડા સમય પહેલા હર્ષ સંઘવીનો ફોટો વાયરલ થયો હતો. હર્ષ સંઘવીએ પણ પોતાનો કાફલો રોકી વડાપાઉનો આસ્વાદ માણ્યો હતો. ચૂંટણી સમયે નેતા એકદમ ડાઉન ટુ અર્થ થઈ જતા હોય છે.
ચૂંટણી પ્રચારની કેટલી અસર થશે તે આવનાર સમયે ખબર પડશે
ચૂંટણી સમયે મતદારોને આકર્ષવા નેતાઓ સ્ટ્રીટ ફૂડ ખાઈ એવો સંદેશો આપવા માગતા હોય છે કે તે પણ સામાન્ય માણસની જેમ જીવન જીવે છે. કોઈ નેતા રાજકોટના ગાંઠીયા આરોગે તો સુરતમાં આવેલા નેતાઓ સુરતી જમણનો લાભ લેતા હોય છે અથવા તો ત્યાંની સ્થાનિક વસ્તુઓ આરોગ્તા હોય છે. કોંગ્રેસના અનેક નેતાઓ પણ આ રણનીતિ અપનાવતા હોય છે. ચૂંટણી સમયે આવા ફોટો આવવા સામાન્ય બાબત છે. ત્યારે નેતાઓ દ્વારા અપનાવાતો આવો સ્ટંટ મતદારોને કેટલો આકર્ષિત કરશે તે આઠમી ડિસેમ્બરના રોજ ખબર પડશે.