અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે. મંદિર નિર્માણની સાથે સાથે ભગવાન રામની પ્રતિમા જે પથ્થરથી બનશે તે ભારત આવી પહોંચી છે. મળતી માહિતી અનુસાર ભગવાન રામની પ્રતિમા શાલીગ્રામ પથ્થરથી તૈયાર કરવામાં આવી રહી છે. હિંદુ ધર્મમાં જેમ શિવલિંગને ભગવાન શંકરનું પ્રતિક માનવામાં આવે છે તેવી જ રીતે શાલીગ્રામને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે.
શું હોય છે શાલીગ્રામ?
ભગવાન રામ સાથે અનેક ભક્તોની આસ્થા જોડાયેલી છે. રામ ભગવાનને મર્યાદા પુરુષોત્તમ માનવામાં આવે છે. અયોધ્યા ખાતે તેમનું ભવ્ય મંદિર નિર્માણ પામી રહ્યું છે. મળતી માહિતી અનુસાર શાલીગ્રામ પથ્થરથી ભગવાન રામની પ્રતિમા બનાવામાં આવી રહી છે. વિજ્ઞાનના પ્રમાણે શાલીગ્રામ પથ્થર કાળા રંગનો પથ્થર હોય છે પરંતુ અનેક વખત સફેદ, વાદળી, બ્રાઉન રંગમાં પણ મળી આવતો હોય છે. સામાન્ય રીતે શાલીગ્રામ પથ્થરને ગંડકી નદીના કિનારાથી એકત્ર કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુના અવતાર માની શાલીગ્રામની પૂજા પણ કરવામાં આવે છે.
શાલીગ્રામનો સંબંધ સાલગ્રામ સાથે જોડાયેલો છે. આ ગામ નેપાળમાં આવેલી ગંડકી નદીના કિનારે આવેલું છે. પુરાણોમાં પણ આના ઉલ્લેખ મળતા આવે છે. હિંદુ ધર્મમાં મુખ્યત્વે મૂર્તિના રૂપમાં પૂજા કરવામાં આવે છે. પરંતુ મૂર્તિ પૂજાની શરૂઆત થઈ તે પહેલા ભગવાન બ્રહ્માની શંખના રૂપમાં, ભગવાન શંકરની શિવલીંગના રૂપમાં જ્યારે ભગવાન વિષ્ણુની શાલીગ્રામના રૂપમાં પૂજા કરવામાં આવતી હતી.
ક્યાં આવેલું છે શાલીગ્રામનું મંદિર?
મળતી માહિતી અનુસાર શાલીગ્રામનું એકમાત્ર મંદિર નેપાળમાં આવેલું છે જે મુક્તિનાથના નામે ઓળખાય છે. આ મંદિર સુધી પહોંચવાની યાત્રા એકદમ મુશ્કેલી ભરેલી હોય છે. માન્યતા છે કે અહિંયા દર્શન કરવા આવતા લોકોના કષ્ટોનું નિવારણ થાય છે. મીડિયા રિપોર્ટસના અનુસાર 33 પ્રકારની શાલીગ્રામ હોય છે. શાલીગ્રામના તમામ પ્રકારને ભગવાન વિષ્ણુના અવતાર સાથે જોડવામાં આવે છે. ગોળ આકારવાળા શાલીગ્રામને ભગવાન વિષ્ણુનું ગોપાલ રૂપ માનવામાં આવે છે. માછલી વાળા આકારના શાલીગ્રામને મત્સ્ય અવતાર માનવામાં આવે છે. તે પ્રમાણે કુર્મ અવતાર, કૃષ્ણ અવતાર માનવામાં આવે છે. ત્યારે આવા શાલીગ્રામમાંથી ભગવાન રામની પ્રતિમા નિર્માણ પામવાની છે.