વન નેશન વન ઈલેક્શન જેની ચર્ચા અત્યારે તમામ ટીવી ચેનલ અને સોશિયલ મીડિયામાં જોવા મળી રહી છે એ શું છે? શા માટે મોદી સરકાર આ મામલે વાત કરી રહી છે? તેના ફાયદા શું છે? પડકારો શું છે? સમાધાન શું છે? સમાધાનની અંદર સમસ્યા શું છે? તમામ વિષયો પર વિગતવાર વાત કરવી છે.
એક રાષ્ટ્ર એક ચૂંટણી શું છે?
સાવ સાદી ભાષામાં વન નેશન વન ઈલેક્શનને સમજવું હોય તો લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થાય એવી યોજના કહી શકાય. પૂરા ભારત દેશમાં એક જ સમયે ચૂંટણી કરવામાં આવે પછી એ દેશની ચૂંટણી હોય કે રાજ્યની ચૂંટણી હોય એટલે વન નેશન વન ઈલેક્શન. આ કંઈ નવી વાત નથી આપણા દેશની ચૂંટણીઓ શરૂઆતમાં આવી જ રીતે થતી હતી. 1952, 1957, 1962 અને 1967ની ચૂંટણી આવી જ રીતે થઈ હતી. પણ પછી પક્ષો બદલાતા ગયા, પક્ષો તૂટતા ગયા, સરકારોએ વિશ્વાસ ખોયો વગેરે જેવી ઘટનાઓ બાદ દેશ અને રાજ્યોની ચૂંટણી અલગ થતી ગઈ અને અત્યારે દેશની ચૂંટણી અને રાજ્યોની ચૂંટણી અલગ-અલગ થાય છે. જ્યારે 1952માં પહેલીવાર લોકસભા ચૂંટણી થઈ હતી તેની પાછળ 11 કરોડ રૂપિયા ખર્ચવા પડ્યા. અત્યારે 2019માં ચૂંટણી પાછળ 60 હજાર કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે. એટલે એક ફાયદો તો અહીં સામે એ આવે છે કે કેન્દ્ર સરકારના રૂપિયા બચવાના છે. બીજી વસ્તુ જોઈએ તો ચૂંટણી રાજ્યોની કરવામાં આવે ત્યારે ચૂંટણી અધિકારીઓ અને બાકીના પણ અધિકારીઓને તેમાં કામગીરી માટે લગાવા પડે છે. તો બીજુ એ થશે કે સરકારી બાબુઓની કામગીરી સારી રીતે કરી શકાશે. કારણ કે સરકારી બાબુઓ ચૂંટણીમાં ધ્યાન આપે એના કરતા સરકારી યોજનામાં વધારે ધ્યાન આપી શકાશે. જો પાંચ-પાંચ વર્ષે ચૂંટણી થાય તો સ્ટેક હોલ્ડર, રાજકીય પાર્ટી, પેરામિલિટરી ફોર્સને પાંચ વર્ષ શાંતી રહે.
ભારત સામે શું પડકારો?
આ તો આપણે સારી-સારી વાતો કરી પણ સિક્કાની બીજી બાજુ પણ આપણે જોઈએ અને એ છે એક દેશ એક ચૂંટણી પાછડના પડકારો. સૌથી પહેલા તો અત્યારે રાજ્યો અને દેશની ચૂંટણીનો સમયગાળો છે તેને સરખો કરવો પડે અને તેના માટે રાજ્યની સરકારો ભંગ કરવી પડે અને રાષ્ટ્રપતિ સાશન લગાવવું પડે. હવે અહીં તકલીફ એ થાય કે ગયા વર્ષે ચૂંટણી થઈ હોય એવા રાજ્યોને શું લાઈન લેવી? એમની રાજ્ય સરકાર તો એક જ વર્ષ ચાલી હોય અને એક જ વર્ષમાં તેમની સરકાર ભાંગવી પડે. છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઝારખંડ, હરિયાણા બધાની ચૂંટણી ભેગી કરવી પડે જે એક તકલીફવાળું કામ થઈ જાય. આ બધુ કરવા માટે ભારતીય બંધારણમાં અમુક ફેરફાર કરવા પડે, કારણ કે વિધાનસભાનો સમયગાળો વધારવો ઘટાડવો પડે એટલે ફેરફાર જરૂરી થઈ જાય. ચાલો આ બધુ તો સરકાર કરી લે કારણ કે સરકારના હાથમાં જ છે આ બધુ. એ ચાહે તો બદલાવો બંધારણમાં પણ લાવી શકે છે પણ સરકારના હાથમાં એક વસ્તુ નથી અને એ છે બધા જ રાજકીય પક્ષોને એક દેશ એક ચૂંટણી માટે મનાવે. ઘણી રાજકીય પાર્ટી એવી હોય જે સરકારના વિચારોથી અલગ મત રાખતી હોય છે, માટે તે માને અને ન પણ માને. આ બધી કાગળિયાની વાતો પૂરી કરીને જમીની મુદ્દાઓની વાત કરીએ તો ભારતીય ચૂંટણી પંચ પાસે એવી વ્યવસ્થા નથી કે તે આટલા બધા ઈવીએમ મશીન ચૂંટણી સમયે સાચવી શકે. અત્યારે જેટલા સાધનોની જરૂર પડે છે ચૂંટણીમાં તેના કરતા બે ગણા સાધનોની જરૂર પડે વન નેશન વન ઈલેક્શન માટે. આટલા બધા યાંત્રિક સાધનોને લઈ જવાની અને વાહન વ્યવહાર કરવામાં પણ તકલીફો પડી શકે છે.
સમાધાન શું હોય શકે?
આપણે સારાઈની વાત કરી, સમમસ્યાની વાત કરી અને હવે સમાધાનની પણ વાત કરીએ. 1952થી 1967 સુધી ચૂંટણી થઈ એ એક દેશ એક ચૂંટણી જ હતી. ક્યારેક તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ જોડે થઈ. આવું કરવા માટે સરકારને રાષ્ટ્રપતિ સાશન લગાવવું પડે. આવું એટલા માટે કરવું પડે કારણ કે રાષ્ટ્રપતિ ગૃહને જવાબદાર નથી હોતા. અમેરિકામાં એવું જ છે. નવેમ્બરમાં ચૂંટણી થઈ જાય છે અને આવું એટલા માટે થાય છે કારણ કે ત્યાંના બંધારણમાં જ એવું છે.
સમાધાનમાં પણ છે સમસ્યાઓ!
હવે આ સમાધાનમાં પણ અમુક સમસ્યાઓ છે. સુધારાઓ માટે સંસદના બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભાની બે તૃત્યાંશ બહુમતી અને ઉપરથી ઓછામાં ઓછી અડધા ભારતના રાજ્યો વિધાનસભા ભંગ કરવી પડે. એટલે એક રાષ્ટ્ર એક ચૂંટણી કાગળ પર તો ચીતરી શકાશે પણ જમીન પર ઉતરવામાં અઘરું છે. કારણ કે કોઈ પણ રાજકીય પક્ષ આવું કરવા માટે તૈયાર ન થાય.
2014માં જે વાયદાઓની ટોપલી ભારતીય નજતા પાર્ટી લાવી હતી તેમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી પણ હતું, 2019ની ચૂંટણી પહેલા પણ 2018માં આ વાત ઉપડી હતી અને હવે ચૂંટણી પહેલાના વર્ષે ફરીવાર આ વાત ઉપડી છે. તો હવે આમાં આગળ શું થશે એ જોવાનું રહેશે, આ માહિતી ખાલી સમજણ માટે જ હતી. તમને કેવી માહિતી લાગી અમને કોમેન્ટમાં જણાવો.