તમે જ્યારે ધાબા પર હોવ ત્યારે ઘણીવાર જોયું હશે કે ઘોર અંધકાર રાત હોય, ચારે બાજુ બસ અંધારુ જ અંધારું હોય અને અચાનક એક નાનું જીવ ઉડતું ઉડતું આવે છે અને તમારી આસપાસ ફરવા લાગે છે. આવું કેમ થાય છે? આપણે કુત્રિમ લાઈટ તો રોજ જોઈએ છીએ જે માનવે બનાવી પણ આ તો કુદરતી લાઈટ છે જે સાક્ષાત કુદરતે તેમને આપી છે. દુનિયાના ઘણા જીવોને કુદરતે ભેટમાં લાઈટ આપી છે. જીવો અંધકારમાં આવે છે અને ચમકવા લાગે છે. એ પછી હવામાં હોય કે દરિયામાં પણ તમે ક્યારેય એવું વિચાર્યું છે કે આ જીવોમાં લાઈટ કોણે ભરી? એમના શરીરમાં શું થાય છે કે તે જગમગે છે? ચાલો જાણીએ....
વૈજ્ઞાનિક ભાષામાં સમજીએ તો જીવજંતુઓમાં જોવા મળતા આ પ્રકાશને બાયોલ્યુમિનસન્સ કહેવાય. આ પ્રકાશ જીવજંતુઓના શરીરમાં થતા રાસાયણિક પ્રક્રિયાઓના કારણે થાય છે. આકાશમાં પેલા લાઈટવાળા જીવડાં જોવા મળે છે તેની તુલનામાં સમુદ્રમાં આવા જબકતા જીવ વધારે જોવા મળે છે. સમુદ્રમાં જ્યારે કંઈક બદલાવો થાય છે ત્યારે આ જીવ વધારે જોવા મળે છે. જ્યારે જહાજ સાથે મોજું અથડાય છે કે દરિયા કિનારે મોજું રેતી સાથે મળે છે ત્યારે આ ક્રિયા થતી જોવા મળે છે. જ્યારે આવું થાય છે ત્યારે તે જગ્યા પર રહેલા જીવજંતુ પ્રકાશ ફેંકવા માંડે છે. શા માટે આવું થાય છે તેની પાછળ વૈજ્ઞાનિકોનો તર્ક માનીએ તો બે રીતે આ જીવ આવું કરતા હોય છે. કાં તો પોતાના દુશ્મનને ભગાડવા માટે અથવા તો પોતાના મિત્રને આકર્ષવા માટે. એંગ્લર માછલીઓ પાસે એક ચમચા જેવો ભાગ હોય છે જે ચમકતો રહે છે. આ ચમકથી તે પોતાના શિકારને મોઢા પાસે લઈ જાય છે. જેવું શિકાર એંગ્લર માછલીના મોઢા પાસે પહોંચે છે તો તે જીવના રામ રમી જાય છે. જો કે તેની બીજી બાજુ અમુક જીંગા પોતાના શરીરમાંથી શાહી જેવો ચમકતો પદાર્થ કાઢતા હોય છે. આ ચમકના કારણે શિકારી ડોફરાઈ જાય છે અને જીંગા બચી જતા હોય છે. આ ચમકના કારણે તે પોતાને શિકાર થતા બચાવી શકે છે. નાના-નાના જીવડાઓ પણ આવી રીતે શરીરમાંથી પ્રકાશ પેદા કરી શકે છે. જો કે તેમનું આવું કરવાનો ઉદ્દેશ્ય શિકાર થતો બચવા માટે જ નથી હોતો. તેનો ઉપયોગ મિત્રોને બોલાવવા માટે હોય છે.
જંતુઓના શરીર કેમ લાઈટ ફેંકે છે?
જીવ જંતુઓના શરીરમાં થતા રાષાયણીક બદલાવોના કારણે આ ઘટના સામે આવતી હોય છે. જેના કારણે પેદા થાય છે પ્રકાશ ઊર્જા. શરીરને પ્રકાશ બનાવવા માટે કે પ્રકાશ પેદા કરવા માટે સૌથી પહેલી વસ્તુની જરૂર હોય છે તે લુસિફેરિન હોય છે. શરીરમાંથી આ કેમિકલ પેદા થાય છે ત્યારે તે પ્રાણવાયુ એટલે કે ઓક્સિજનના સંપર્કમાં આવે છે અને પરિણામે મળે છે અજવાળું. ઘણા બધા જીવજંતુ પ્રકાશ પેદા કરવા માટે લુસિફેરેઝ નામનું ઉત્ષેચક પણ પેદા કરતા હોય. ઉત્ષેચક એટલે કોઈ પણ પ્રક્રિયાને ઝડપી બનાવતી વસ્તુ. અહીં વાત લાઈટની થઈ રહી છે તો એવું માની શકાય કે આ પ્રક્રિયાની જે ઝડપ વધારે છે તે લુસીફેરેઝ હોય છે. બાયોલુમિનસન્સ જંતુઓ કે પ્રાણીઓ પોતાના શરીરની જરૂરિયાત મુજબ પ્રકાશ ઊર્જા પેદા કરે છે. તેનું શરીર અને મગજ બંને નિયંત્રિત કરે છે કે પ્રકાશ કેટલો હોવો જોઈએ. જ્યારે જંતુને બચવાનું હોય, કોઈનો શિકાર કરવો હોય અને કોઈને આકર્ષવાનું હોય ત્યારે જરૂરિયાત મુજબ આ બધા કેસમાં શરીરમાંથી અલગ-અલગ પ્રમાણમાં પ્રકાશ પેદા થતો હોય છે.
કયા જીવમાં સ્વયંપ્રકાશીત થવાનો ગુણ હોય છે?
ઘણા બધા સમુદ્રી જીવ શરીરની અંદર લાઈટ પેદા કરી શકે છે. હવામાં ઉડતા જીવડા એટલે કે જુગનુ સિવાય, બેક્ટેરિયા, એલ્ગી એટલે કે ફુગ, જેલિફિશ, જીંગા, સમુદ્રી જીવડા, સમુદ્રી તારા, માછલી અને સમુદ્રી સાપ લાઈટ પેદા કરે છે. આપણી દુનિયાની લગભગ 1500થી પણ વધુ માછલીઓમાં પ્રકાશ પેદા કરવાની ક્ષમતા જોવા મળી છે. ઘણીવાર તો એવું પણ જોવા મળ્યું છે કે અમુક જીવ બીજા જીવની મદદ લઈને પોતે લાઈટ પેદા કરતું હોય છે. ઉદાહરણ તરીકે એંગ્લર માછલી પાસે પોતાની કોઈ લાઈટ નથી હોતી. તે પોતાની ઉપર ચમચી જેવો ભાગ છે ત્યાં ચમકતા બેક્ટેરિયા ભરી દે છે. જે ચમકે રાખે છે અને માછલી પોતાના ખોરાકને કોરી ખાય છે. આપણને એવું લાગે છે કે માછલી ચમકી રહી છે.
તમને એક વૈજ્ઞાનિકનો કારનામો પણ કહેવો છે જે વાંચીને તમને પણ થશે કે કેવા-કેવા અખતરા આ દુનિયામાં થયા છે. એક વૈજ્ઞાનિકે લાઈટ થાય તેવો જનીન એટલે કે જીન એક પ્રાણીમાંથી કાઢ્યો અને તેને તમાકુના છોડમાં ફીટ કરી દીધો. વિશ્વાસ નહીં આવે પણ એ તમાકુનો છોડ ઝગમગવા લાગ્યો હતો કારણ કે તેમાં બાયોલ્યુમિનસન્સવાળા જીવનો જીન(Gene) હતો. ટૂંકમાં વાત કરીએ તો સૃષ્ટિએ જીવવા માટે માણસને બુદ્ધિ આપી છે એમ આવા જંતુઓને પોતાનું રક્ષણ કરવા માટે પ્રકાશ આપ્યો છે.