કોલકત્તા હાઈકોર્ટે આજ સોમવારે પશ્ચિમ બંગાળ સરકાર પાસે હાવડામાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસા અંગે બુધવાર 5 એપ્રિલ સુધી કાર્યવાહીનો રિપોર્ટ માંગ્યો છે. બીજી તરફ ભાજપાની શોભાયાત્રા દરમિયાન હુગલીમાં થયેલી હિંસાને લઈને ભાજપા કાર્યકર્તાઓ પશ્ચિમ બંગાળ સરકાર વિરૂધ્ધ પ્રદર્શનો કરી રહ્યા છે.
પોલીસ પાસે માગ્યો રિપોર્ટ
ભાજપના નેતા અને રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી દ્વારા રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની તપાસની માગ કરતી અરજી હાઈકોર્ટમાં કરી હતી. સુનાવણી દરમિયાન કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ ટીએસ શિવગણનમ તથા ન્યાયમૂર્તિ હિરણ્મય ભટ્ટાચાર્યની બેન્ચે પોલીસને સીસીટીવી જમા કરાવવાના આદેશ આપ્યા હતા. તે સાથે જ અત્યાર સુધીમાં થયેલી ધરપકડો અંગે એક રિપોર્ટ સાથે હિંસા દરમિયાનના ફૂટેજ પણ માગ્યા છે.
BJP નેતાએ કરી તપાસની માગ
શુભેન્દુ અધિકારીએ શુક્રવારે એક લોકહિતની અરજી દાખલ કરી હતી. તેમણે અરજીમાં હાવડા અને ઉત્તર દિનાજપુર જિલ્લામાં ગુરૂવારે થયેલી હિંસાની ઘટનાને રોકવામાં પોલીસ નિષ્ફળ રહી હોવાનો આરોપ લગાવ્યો હતો. તે ઉપરાંત તેમણે કેન્દ્રિય દળો તૈનાત કરવાની પણ માગ કરી હતી.