મહિલાઓ પર અત્યાચારની ઘટના વધી રહી છે. શોષિતોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. આપણી સામે એવા અનેક ઉદાહરણો છે જેમાં મહિલાઓ પર અત્યાચાર કરવામાં આવતા હોય છે. રાજ્ય બદલાય છે, સરકાર બદલાય છે, શાસક બદલાય છે પરંતુ પરિસ્થિતિ નથી બદલાતી. એ રાજ્ય ભલે મણિપુર હોય કે પશ્ચિમ બંગાળ હોય. પશ્ચિમ બંગાળના પ્રવાસે પીએમ મોદી ગયા છે. સંદેશખાલીને લઈ પીએમ મોદીએ અનેક વખત મમતા બેનર્જીની સરકાર પર પ્રહારો કર્યા છે, મહિલાઓ પર થતાં અત્યાચારને લઈ રાજ્ય સરકારને ઘેરવાની કોશિશ કરી છે. ત્યારે આજે પણ પીએમ મોદીએ નિશાન સાધ્યું છે. પીએમ મોદીએ સરકાર પર જોરદાર પ્રહાર કરતા કહ્યું કે મમતા સરકારમાં મહિલાઓ અસુરક્ષિત છે. બંગાળ સરકારને અત્યાચારીઓ પર જ ભરોસો છે અને સંદેશખાલીમાં પણ આવું જ થયું છે.
મમતા સરકાર પર પીએમ મોદીએ કર્યા પ્રહાર!
થોડા સમયથી પશ્ચિમ બંગાળમાં જે પરિસ્થિતિ છે તેની જાણ આપણને છે. મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી, ટીએમસીના નેતા શાહજહાં શેખની પોલીસે ધરપકડ કરી, કોર્ટ સમક્ષ જ્યારે તેમને પેશ કરવામાં આવ્યા ત્યારે તેમને જોઈને લાગતું ન હતું કે તેમને કોઈ પછતાવો હોય. સંદેશખાલીમાં બનેલી ઘટનાને લઈ પશ્ચિમ બંગાળની રાજનીતિ ગરમાઈ રહી છે. ટીએમસી પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે ભાજપ દ્વારા. મમતા સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે વગેરે વગેરે... સંદેશખાલીમાં બનેલી ઘટના પર તો પીએમ મોદીએ પણ મમતા સરકારને ઘેરી છે. અનેક વખત ભાષણ દરમિયાન પીએમ મોદીએ મહિલાઓની સુરક્ષાને લઈ સવાલો ઉઠાવ્યા છે. મહિલાઓ સુરક્ષિત નથી તેવી વાત આજે ફરી એક વખત પીએમ મોદીએ કરી છે.
તૃણુમુલ કોંગ્રેસના રાજમાં અત્યાચાર થઈ રહ્યો છે - પીએમ મોદી
મમતા સરકારને ઘેરતા પીએમ મોદીએ જોરદાર પ્રહાર કરતા કહ્યું કે મમતા સરકારમાં મહિલાઓ અસુરક્ષિત છે. બંગાળ સરકારને અત્યાચારીઓ પર જ ભરોસો છે અને સંદેશખાલીમાં પણ આવું જ થયું છે. TMCના માફિયા રાજને ધ્વસ્ત કરવા હવે બંગાળની મહિલા શક્તિ નીકળી પડી છે. વધુમાં તેમણે કહ્યું કે 'સંદેશખાલીમાં ઘોર પાપ થયું છે. ત્યાં જે કંઈ પણ થયું તેનાથી કોઈનું પણ માથું શરમથી ઝુકી જશે પરંતુ ત્યાંની ટીએમસી સરકારને તમારા દુઃખથી કોઈ ફરક નથી પડતો. ટીએમસી સરકાર બંગાળની મહિલાઓના ગુનેગારને બચાવવા માટે તમામ શક્તિ લગાવી રહી છે પણ પહેલા હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટથી પણ રાજ્ય સરકારને ઝટકો લાગ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના રાજમાં ત્યાં અત્યાચાર થઈ રહ્યો છે.'
નારી શક્તિને લઈ પીએમ મોદીએ કહી આ વાત!
પીએમ મોદીએ આગળ કહ્યું કે 'ટીએમસી સરકારને અત્યાચારી નેતા પર ભરોસો છે પરંતુ બંગાળની બહેન-દીકરીઓ પર ભરોસો નથી. બંગાળની મહિલાઓ અને દેશની મહિલાઓ આક્રોશમાં છે. મહિલાઓનો આ ગુસ્સો માત્ર સંદેશખાલી સુધી સીમિત નથી રહેવાનો. હું જોઈ રહ્યો છું કે ટીએમસીના માફિયા રાજને ખતમ કરવા માટે બંગાળની નારી શક્તિ નિકળી ચૂકી છે. બંગાળની બહેન-દીકરીઓનો બુલંદ અવાજ માત્રને માત્ર ભાજપ જ છે.' તે ઉપરાંત પણ અનેક મુદ્દાઓને લઈ પીએમ મોદીએ મમતા સરકાર પર પ્રહારો કર્યા હતા.
મણિપુર મુદ્દે પીએમ મોદી કેમ શાંત છે?
પીએમ મોદીનું ભાષણ સાંભળી એક પ્રશ્ન થાય કે પીએમ મોદીની સંવેદના મણિપુર વખતે કેમ દેખાઈ ના હતી? મણિપુરમાં બનેલી ઘટનાને લઈ પીએમ મોદી કેમ એક વખત પણ નથી બોલ્યા? વિપક્ષ દ્વારા અનેક વખત આને લઈ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે કે પીએમ મોદી મણિપુરને લઈ કેમ કંઈ બોલતા નથી? આમ જોવા જઈએ તો સવાલ વ્યાજબી પણ છે કારણ કે મહિલાઓ પર જ્યારે અત્યાચાર થાય છે, શોષિતો પર અત્યાચાર થાય છે ત્યારે તે વ્યક્તિ, તે મહિલા ગમે તે રાજ્યની કેમ ના હોય તેને ન્યાય મળવો જોઈએ. સરકાર ગમે તેની હોય પરંતુ જ્યારે વાત ન્યાયની આવે છે તો તેના ધોરણો ના બદલાવવા જોઈએ. જો પશ્ચિમ બંગાળને લઈ પીએમ મોદી બોલી શકતા હોય તો આશા રાખીએ કે તે મણિપુરને લઈને પણ તે નિવેદન આપે..!