લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ જોડ તોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. એક તરફ કોંગ્રેસ પક્ષ તૂટી રહ્યો છે તો બીજી તરફ ભાજપ પક્ષમાં કોંગ્રેસ પક્ષના દિગ્ગજ નેતાઓ જઈ રહ્યા છે. ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. ગઈકાલે કોંગ્રેસ પક્ષને બે મોટા ફટકા પડ્યા. પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું. ધારાસભ્યનું રાજીનામું લેવા વિધાનસભા અધ્યક્ષ ગાંધીનગર ખાતે હેલિકોપ્ટરથી પહોંચ્યા હતા. આજે ફરીથી ભરતી મેળો થવાનો છે. કોંગ્રેસના બે પૂર્વ ધારાસભ્ય કેસરિયો ધારણ કરવાના છે. અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેર આજે સી.આર.પાટીલની હાજરીમાં કેસરિયો ધારણ કરી શકે છે.
પક્ષપલટા બાદ બદલાઈ જાય છે નેતાઓના સૂર!
પક્ષ પલટો કરવો નેતા માટે સામાન્ય વાત બની ગઈ હોય તેવું લાગે છે. છેલ્લા ઘણા સમયમાં અનેક ધારાસભ્યોએ, કાર્યકર્તાઓએ પક્ષ પલટો કરી લીધો છે. જે પાર્ટી માટે પહેલા ખરાબ બોલતા હોય છે તેમના બોલ બીજેપીમાં સામેલ થયા બાદ બદલાઈ જતા હોય છે. જે નીતિઓનો વિરોધ પહેલા કરતા હોય છે તે જ નીતિઓ ભાજપમાં આવ્યા બાદ સારી લાગવા લાગે છે. વિકાસ નથી થયો તેવી વાતો પહેલા કરવામાં આવતી હોય છે પરંતુ પક્ષ પલટો કર્યા બાદ કેટલો વિકાસ થયો છે તે દેખાવવા લાગે છે. એક જ દિવસમાં જાણે તેમનું હૃદયપરિવર્તન થઈ જતું હોય છે. આ અનેક ઉદાહરણો આપણી સામે છે.. ગિરગિટ પણ વિચારતો હશે કે આટલા જલ્દી તો હું પણ આટલા જલ્દી રંગ નથી જેટલા જલ્દી આ લોકો રંગ બદલે છે!
બે પૂર્વ ધારાસભ્યો આજે કેસરિયો કરશે ધારણ!
ચૂંટણી પહેલા પક્ષ પલટોની મૌસમ પૂર બહારમાં ખીલી છે. છેલ્લા ઘણા સમયથી અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા છે. ધારાસભ્યો પહેલા પોતાના પદ ઉપરથી રાજીનામું આપે છે અને પછી કેસરિયો ધારણ કરે છે. ભાજપમાં વેલકમ પાર્ટી થવી સામાન્ય થઈ જઈ ગયું છે. થોડા સમય પહેલા હજારો કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. અનેક પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા ત્યારે આજે બે પૂર્વ ધારાસભ્યો અંબરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા ભાજપમાં સી.આર.પાટીલની હાજરીમાં જોડાઈ શકે છે.