ગુજરાતમાં દારૂબંધી માત્ર પેપર પર જ છે, રાજ્યમાં સર્વત્ર દારૂ વેચાય છે, આ બાબતનો કોઈ ઈન્કાર કરી શકશે નહીં. હવે તો સમાજીક પ્રસંગોએ પણ દારૂ પીવાનું ચલણ વધી ગયું છે, લગ્ન પ્રસંગમાં દારૂનું દુષણ જોવા મળે છે. આ જ કારણે સારા પ્રસંગોમાં પણ કલેહ જોવા મળે છે. લગ્ન પ્રસંગમાં ઝગડા ન થાય તે માટે લોકો હવે લગ્નની કંકોત્રીમાં પણ ‘કોઇએ દારૂ પીને લગ્નમાં ન આવવું’તેવું સ્પષ્ટપણે લખાવે છે. આજકાલ સોશિયલ મીડિયામાં આવી જ લગ્નની એક કંકોત્રી ખુબ જ વાયરલ થઈ છે.
કોળી પરિવારની લગ્નની કંકોત્રી વાયરલ
રાજકોટ જિલ્લાના હડાળા ગામે યોજાઈ રહેલા લગ્નની કંકોત્રી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. કોળી સમાજ વ્યસનમુક્ત બને તે માટે મનસુખભાઈએ આ અનોખી પહેલ કરી હતી. રાજકોટના હડાળા ગામના મનસુખભાઈ સીતાપરાની દીકરીના લગ્ન હતા. તેમણે લગ્નની કંકોત્રીમાં સ્પષ્ટ લખ્યું કે મહેરબાની કરીને કોઈએ દારૂ પીને ન આવવું. મનસુખભાઈના જણાવ્યા મુજબ વર્ષ 2012માં કોળી સમાજે મીટિંગ કરી હતી. જેમાં દારૂ પીને આવનારાને રૂ.501 નો દંડ નક્કી કરાયો હતો. મનસુખભાઈનું કહેવું છે કે, મારે સમાજ અને ગામને વ્યસન મુક્ત બનાવવો છે.