કાતિલ શિયાળો વિદાય લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે હવે લોકોએ કાળઝાળ ગરમી માટે તૈયાર થવાનું છે. રાજ્યમાં હોળી બાદ તાપમાનમાં વધારો શરૂ થશે. હવામાન વિભાગે રાજ્યમાં હિટવેવની આગાહી કરી છે, તે ઉપરાંત રાજ્યમાં સુકા અને ગરમ પવન ફુંકાશે.
હવામાન વિભાગની આગાહી શું છે?
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં પૂર્વ દક્ષિણ પૂર્વના પવનો ફૂંકાયા છે. આગામી 48 કલાક તાપમાન યથાવત રહેશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં મહત્તમ તાપમાન 37થી 39 ડિગ્રી આસપાસ રહેશે. આગામી 48 કલાક સૌરાષ્ટ્ર કચ્છમાં હિટવેવની આગાહી કરાવમાં આવી છે. રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં હિટવેવ રહેશે. મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાવવાની શક્યતા છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેવાની શક્યતા છે. આગામી 48 કલાક બાદ 2થી 3 ડીગ્રી તાપમાન ઘટશે. અમદાવાદ અને ડીસાનું મહત્તમ તાપમાન 38 ડીગ્રી રહેવાનું અનુમાન છે તો ભુજ અને રાજકોટનું મહત્તમ તાપમાન 40 ડીગ્રી રહેવાની શક્યતા છે.