છેલ્લા એક બે દિવસથી રાજ્યના તાપમાનમાં વધારો નોંધાયો છે. તાપમાન વધવાને કારણે ગરમીનો અનુભવ છેલ્લા એક બે દિવસથી થઈ રહ્યો છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો હતો. ફેબ્રુઆરીની શરૂઆતમાં જ ગરમી પ્રકોપ સહન કરવો પડી રહ્યો છે પરંતુ આગામી દિવસોમાં ઠંડીનો અનુભવ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 3 દિવસ બાદ ઠંડીનું પ્રમાણ વધશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે ઠંડીનો અહેસાસ ઓછો થઈ રહ્યો હતો.
આગામી દિવસોમાં વધશે ઠંડીનું જોર!
જાન્યુઆરીમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. તાપમાન ગગડવાને કારણે કડકડતી ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો હતો. બપોરના સમયે જો તમે ઘરની બહાર નિકળો તો એવું લાગે જાણે ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ હોય. લોકો ઘરમાં પંખો કરી રહ્યા છે તેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો. ત્યારે આગામી દિવસોમાં ફરી એક વખત ઠંડીનો ચમકારો જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બે-ત્રણ દિવસ બાદ ઠંડીનું પ્રમાણ વધશે.
બેવડી ઋતુનો લોકોને થઈ રહ્યો છે અહેસાસ
જો તાપમાનની વાત કરીએ તો નલિયામાં 14.5 તાપમાન પહોંચ્યું હતું જ્યારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 19.02 ડિગ્રી આસપાસ પહોંચ્યું હતું. બપોરના સમયે ગરમીનું પ્રમાણ વધારે હોવાને કારણે ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે તેમજ સાંજના સમયે ઠંડી હોય છે પરંતુ બપોરના સમયે ગરમીને કારણે લોકો પરેશાન થઈ જાય છે. બેવડી ઋતુને કારણે રોગચાળો પણ વધી રહ્યો છે. ફેબ્રુઆરીમાં આટલી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જેને લઈ લોકોને ટેન્શન થઈ રહ્યું છે કે ઉનાળામાં તાપમાન કેટલે જઈને પહોંચશે?