રાજ્યમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે મેઘ મહેરની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 13.45 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે પણ આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે. જૂનાગઢ , ગીર સોમાનાથ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે. રાજ્યના અન્ય ભાગોમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ 25થી 30 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી.
આગામી 48 કલાકમાં ક્યા-ક્યા વરસાદ પડશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈ મોટી આગાહી કરી છે. જે મુજબ આગામી 48 કલાકમાં ભારે વરસાદ પડશે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. તેમના જણાવ્યા મુજબ, આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થશે. અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું કે, ઉત્તર ગુજરાતમાં 12 ઇંચ અને મધ્ય ગુજરાતમાં 10 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પુર આવી શકે છે. આહવા, ડાંગ, વલસાડ, સુરત, નવસારીમાં અતિભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં સુરત, ભરૂચ, અમરેલી, જૂનાગઢ, જામનગર, રાજકોટ, કચ્છના કેટલાક ભાગો ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગો વડોદરા, આણંદ, પંચમહાલના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. સાબરકાંઠા બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. રાજ્યમાં 1 જુલાઈ સુધીમાં નદી નાળા છલકાઈ જાય તેવો વરસાદ થવાનું અનુમાન છે.
જુલાઈ મહિનામાં પણ વરસાદી માહોલ
અંબાલાલ પટેલે જૂન બાદ જુલાઈ મહિનામાં વરસાદનો મિજાજ કેવો રહેશે તે અંગે પણ આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, જૂન મહિનાના અંતમાં વરસાદ થઇ રહ્યો છે અને જુલાઈના પહેલા સપ્તાહમાં પણ વરસાદ રહેવાનું અનુમાન છે. જુલાઈ મહિનાની 8 જુલાઈ સુધીમાં રાજ્યના ભાગોમાં વરસાદી માહોલ રહેશે. જ્યારે 18-19 જુલાઈએ પણ વરસાદની શક્યતા રહેશે.