વરસાદની રાહ ક્યારની જોવાઈ રહી છે. વરસાદ ક્યારે આવે અને ગરમીથી ક્યારે રાહત મળે તેની ઈંતેઝારી દરેકને છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે પરંતુ સાર્વત્રિક વરસાદ નથી વરસી રહ્યો. ચોમાસાની એન્ટ્રી સાથે જ ચોમાસુ નબળું પડી ગયું. હવામાન વિભાગ દ્વારા તો આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેની આગાહી કરવામાં આવી છે પંરતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ કરવામાં આવી છે.
શું કહે છે હવામાન નિષ્ણાત અંબાલાલ કાકાની આગાહી?
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે જે મુજબ 24થી 26મી જૂન વચ્ચે રાજ્યના મોટા ભાગોમાં વરસાદ વરસી શકે છે. રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી શકે છે. 30 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આવતી કાલે અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, આણંદમાં વરસાદની સંભાવના છે. તે સિવાય વડોદરા, સુરત, તાપી, નવસાલી, દમણ, વલસાડ, તાપીમાં પણ વરસાદ વરસી શકે છે.
23 તારીખ સુધી ક્યાં આવી શકે છે વરસાદ?
તે સિવાય 22 તારીખની વાત કરીએ તો અનેક જિલ્લાઓમાં વરસાદ આવી શકે છે. દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, નવસારી, સુરત, ડાંગ, વલસાડ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં વરસાદ વરસી શકે છે. 23 તારીખે હળવાથી સામાન્ય વરસાદ સાબરકાંઠા, બનાસકાંઠા. અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગરમાં વરસી શકે છે જ્યારે ગાજવીજ સાથે વરસાદ વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, નર્મદા, ભરૂચમાં વરસી શકે છે.
ખેડૂતોની મુશ્કેલીમાં થયો વધારો
મહત્વનું છે કે વરસાદ ખેંચાવાને કારણે જગતના તાતની ચિંતા વધી છે. ખેડૂતોએ સારા વરસાદની આશા સાથે વાવણી કરી હતી, વરસાદ સારો આવશે અને તેમની પરિસ્થિતિ સુધરશે તેવી ખેડૂતોને આશા હતી પરંતુ વરસાદ ખેંચાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. તે સિવાય ગરમીમાં પણ વધારો થઈ રહ્યો છે. ઉકળાટ તેમજ બફારાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઉલ્લેખનિય છે કે અનેક જગ્યાઓ પર વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે તમારે ત્યાં કેવું વાતાવરણ છે તે અમને જણાવજો..