શિયાળામાં માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. એક તરફ ડુંગળી પકવતા ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ આવનાર દિવસોમાં ફરી એક વખત કમોસમી વરસાદ આવી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રના રાજકોટમાં, અમરેલી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ આવી શકે છે. માવઠાની આગાહી કરાતા જગતના તાતની ચિંતામાં વધારો થયો છે. ત્રણ દિવસ બાદ તાપમાનમાં ફેરફાર થઈ શકે છે અને પારો ગગડી શકે છે જેને કારણે ઠંડીનું પ્રમાણ વધી શકે છે.
આ વિસ્તારોમા આવી શકે છે મુસીબતનું માવઠું
રાજ્યના અનેક શહેરોનું તાપમાન 15 ડિગ્રીની નીચે પહોંચ્યું હતું. અમદાવાદમાં પણ 13 ડિગ્રી પર પારો પહોંચી ગયો જ્યારે નલિયાનો પારો 11 ડિગ્રી આસપાસ ગગડી ગયો હતો. ઠંડીનો અહેસાસ ધીરે ધીરે થવા લાગ્યો હતો પરંતુ આગામી કલાકોમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના અમરેલી, પોરબંદર અને દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.
આવનાર દિવસમાં વધી શકે છે ઠંડીનો પારો
આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્રણ દિવસ બાદ તાપમાનમાં ફેરફાર થઈ શકે છે. ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે જેને કારણે ઠંડીના ચમકારાનો અનુભવ થઈ શકે છે.