14 ઓક્ટોબરે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાનની મેચ યોજાવાની છે. ક્રિકેટ રસિયાઓ આ મેચને લઈ અત્યંત ઉત્સાહિત છે તો તેના પછીના દિવસથી એટલે કે 15 ઓક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભ થવાનો છે. નવરાત્રીને લઈ ખેલૈયાઓ ફોર્મમાં દેખાઈ રહ્યા છે. પહેલા એવી આગાહી હતી કે ક્રિકેટ રસિયાઓ તેમજ ખેલૈયાઓની મજા વરસાદ બગાડી શકે છે પરંતુ હવે આગાહીમાં ચેન્જ કરવામાં આવ્યો છે. જે મુજબ ક્રિકેટ રસિયાઓની ચિંતા ટળી છે પરંતુ ખેલૈયાઓની ચિંતા હજી પણ યથાવત રહેશે. મતલબ કે 14 ઓક્ટોબરે વરસાદ નહીં થાય પરંતુ નવરાત્રી દરમિયાન વરસાદ વિધ્ન નાખશે તેવી આગાહી કરવામાં આવી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારી મેચમાં વરસાદ નહીં કરે વિધ્ન
છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. સત્તાવાર રીતે ચોમાસાએ વિદાય લઈ લીધી છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે પરંતુ નવરાત્રી દરમિયાન વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. નવરાત્રીની મજા વરસાદ બગાડશે તેવી આગાહી ઘણા સમયથી અંબાલાલ પટેલ કરી રહ્યા હતા. ત્યારે થોડા દિવસો પહેલા હવામાન વિભાગ દ્વારા પણ આવી આગાહી કરવામાં આવી. એવું લાગતું હતું કે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારી મેચમાં વરસાદ આવશે પરંતુ હવે ખેલૈયાઓની ચિંતા વરસાદે વધારી છે.
15થી 17 ઓક્ટોબર દરમિયાન વાતાવરણમાં આવશે પલટો
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ 14 ઓક્ટોબરના રોજ વેસ્ટર્ન સિસ્ટમ સક્રિય થશે જેને કારણે 15થી 17 સપ્ટેમ્બર દરમિયાન વાતાવરણમાં પલટો આવશે અને ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસી પણ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. અમુક વિસ્તારોમાં વરસાદની રિ-એન્ટ્રી થશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 16 ઓક્ટોબરના રોજ અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.
આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ
14 ઓક્ટોબરના રોજ એક સિસ્ટમ સક્રિય થવાની છે જેની અસર ગુજરાતના વાતાવરણ પર 15 તેમજ 16 ઓક્ટોબરની આજુબાજુ દેખાશે જેને કારણે નવરાત્રી દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વરસાદી ઝાપટાનો અનુભવ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 15 ઓક્ટોબર માટે જે આગાહી કરવામાં આવી છે તેની વાત કરીએ તો મહેસાણામાં, અમદાવાદમાં, સુરેન્દ્રનગરમાં, આણંદમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત બોટાદમાં, ખેડામાં, ગાંધીનગરમાં પણ વરસાદ વરસવાની શક્યતા છે.
નવરાત્રી દરમિયાન વરસાદને કારણે બગડી શકે છે મજા
તે ઉપરાંત 16 તારીખે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. મહત્વનું છે કે આ તારીખો છે જ્યારે નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો હશે. નવરાત્રી દરમિયાન વરસાદની સંભાવના છે તેવી આગાહી કરાતા ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો છે. ધીમે ધીમે શિયાળાની શરૂઆત પણ થઈ ચૂકી છે. સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે તે ઉપરાંત રાત્રે પણ ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે જ્યારે ગરમીનો અનુભવ બપોરના સમયે થાય છે. થોડા દિવસો બાદ શિયાળાની શરૂઆત થઈ જશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. આ વર્ષે કડકડતી ઠંડીનો અહેસાસ થશે તેવી આગાહી પણ કરવામાં આવી છે.