ઓગસ્ટ મહિનાની શરૂઆત થતાં જ વરસાદે જાણે વિરામ લીધો હતો. વરસાદ ન વરસવાને કારણે ગરમીનું પ્રમાણ વધી ગયું છે. આ વર્ષે ઓગસ્ટમાં દર વર્ષની સરખામણીમાં ખૂબ ઓછો વરસાદ વરસ્યો છે. ઓગસ્ટ મહિનામાં વરસાદ ન વરસવાને કારણે ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રવર્તી ઉઠી છે. જુલાઈ સુધી સારો વરસાદ થવાને કારણે ખેડૂતોને સારા પાકની આશા હતી. ખેડૂતોને લાગતું હતું કે સારો વરસાદ થશે અને તેમના પાક સફળ જશે. પરંતુ ઓગસ્ટ મહિનો કોરો કટ સાબિત થયો. ત્યારે સપ્ટેમ્બર મહિનામાં વરસાદ કેવો રહેશે તે અંગે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે.
વરસાદને લઈ હવામાન વિભાગે કરી આ આગાહી
વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી 7 દિવસ સુધી વરસાદ વરસવાની સંભાવના નહીંવત છે. સપ્ટેમ્બરનું પહેલું અઠવાડિયું ઓગસ્ટની જેમ કોરું જશે તેવી આગાહી કરવામાં આવી છે. પરંતુ સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં વરસાદનું આગમન થઈ શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં સારો વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અને અંબાલાલ કાકા દ્વારા કરવામાં આવી છે.
લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં આ જગ્યાઓ પર થશે વરસાદ
સપ્ટેમ્બરમાં સારો એવો વરસાદ વરસી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી મુખ્યત્વે સાચી પડતી હોય છે. જ્યોતિષના આધારે તેમજ નક્ષત્રોના આધારે અંબાલાલ પટેલ આગાહી કરતા હોય છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ બની રહી છે જેને કારણે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસી શકે છે. તે સિવાય અરબ સાગરમાં પણ સિસ્ટમ બની રહી છે. અને જો આ સિસ્ટમ સક્રિય થશે તો ગુજરાતમાં સપ્ટેમ્બર દરમિયાન સારો વરસાદ થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 4 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી મજબૂત સિસ્ટમ બનશે. તે સિવાય વચ્ચે 4થી 7 સપ્ટેમ્બર દરમિયાન ઓડીસા, ઝારખંડ સહિતના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. તેવી આગાહી અંબાલાલ કાકાએ કરી છે.