અનેક વખત આપણે કહેતા હોઈએ છીએ કે માણસ છે ગમે ત્યારે બદલાઈ જાય, પરંતુ હવે તો વાતાવરણ પણ ગમે ત્યારે બદલાઈ રહ્યું છે! પ્રમાણસર વરસાદની જરૂર ચોમાસામાં હોય છે પરંતુ હવે ચોમાસામાં પણ વરસાદ અનિયમિત થઈ ગયો છે. કોઈ વખત ના પડે તો બિલકુલ ના પડે પરંતુ જ્યારે પડે ત્યારે ખેડૂતોને રડાવે એવો વરસે. ત્યારે હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે પરંતુ કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી રહી છે. એક તરફ શિયાળામાં ધીરે ધીરે ઠંડીનો અનુભવ થવાની શરૂઆત થઈ તો ફરી એક વખત માવઠાને લઈ અંબાલાલ કાકાએ આગાહી કરી છે જેને કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે.
તાપમાનના પારામાં થઈ શકે છે ફેરફાર
રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે પરંતુ આ ઠંડીનું જોર આવનાર દિવસમાં વધશે તેવું લાગી રહ્યું છે, તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અત્યારે પ્રમાણસરની ઠંડી પડી રહી છે પરંતુ આવનાર સમયમાં તાપમાનનો પારો ગગડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. આવનાર બે દિવસમાં તાપમાનના પારામાં ફેરફાર વધારે નહીં આવે.
ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
નલિયા ફરી એક વખત ઠંડોગાર પ્રદેશ બન્યો છે. ત્યાંનું તાપમાન 10.5 ડિગ્રી જેટલું ગગડ્યો છે. અમદાવાદનું તાપમાન 16.5 ડિગ્રીએ પહોંચ્યું છે, ગાંધીનગરમાં તો તાપમાન 14.9 ડિગ્રી નોંધાયું છે. સુરતનું તાપમાન 21.4 પર પહોંચ્યું છે. વલસાડનું તાપમાન 19 ડિગ્રી પર પહોંચ્યું છે. ભુજનું તાપમાન 14.6 ડિગ્રી, કંડલા પોર્ટનું તાપમાન 16.8 ડિગ્રી નોંધાયું છે. વડોદરાનું તાપમાન 16.4 ડિગ્રી, ડીસાનું તાપમાન 13.4 ડિગ્રી પર પહોંચ્યું છે. ભાવનગરનું તાપમાન 16 ડિગ્રીએ પહોંચ્યું હતું, દ્વારકાનું તાપમાન 19 જ્યારે ઓખાનું તાપમાન 22.5 ડિગ્રી પર પહોંચ્યું હતું. રાજકોટનું તાપમાન 14.5 ડિગ્રી નોંધાયું હતું. સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 16.2 ડિગ્રી પર પહોંચ્યો હતો.
અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી!
એક તરફ તાપમાનનો પારો ગગડી રહ્યો છે તો બીજી તરફ કમોસમી વરસાદને લઈ આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદ આવી શકે છે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું હતું. આગાહી કરતા તેમણે કહ્યું કે 25 ડિસેમ્બર એટલે નાતાલ સુધી હવામાનમાં કોઈ ફેરફાર નહીં આવે પરંતુ તે બાદ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની સંભાવના છે. રાજ્યમાં ગાજવીજ, કરા સાથે વરસાદ વરસી શકે છે તેમ તેમણે જણાવ્યું હતું. અંબાલાલની વરસાદની આગાહીએ પગલે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં આગામી 5 દિવસ દરમિયાન વાતાવરણ સૂકું રહેશે. તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધી ફેરફાર આવી શકે છે.