અમદાવાદ પૂર્વના હાટકેશ્વરમાં આવેલા છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજ છેલ્લા 6 મહિનાથી સમારકામ કરવા માટે બંધ કરી દેવામાં આવ્યો છે. જ્યારે બ્રિજનું નિર્માણ થયું ત્યારે બ્રિજ કેટલા વર્ષો સુધી ટકશે તેને લઈ અનેક દાવા કરવામાં આવ્યા હતા પરંતુ માત્ર 5 વર્ષમાં જ બ્રિજને રિપેરિંગ માટે અનેક વખત બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારે 2022માં સોલિડ એન્ડ મટિરિયલ ટેસ્ટિંગ લેબોરેટરીમાં બ્રિજની ગુણવત્તાને લઈ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. બ્રિજના નિર્માણમાં હલકી ગુણવત્તા વાળા સામાનનો ઉપયોગ થયો હોય તેવું સામે આવ્યું છે.
રિપેરિંગનું કામ કરવા અનેક વખત બ્રિજને કરાયો છે બંધ
ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવે તે માટે અમદાવાદમાં અનેક બ્રિજો બનાવવામાં આવ્યા છે. પરંતુ અનેક બ્રિજ એવા હોય છે જેને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. રિપેરિંગ કામને લઈને અનેક વખત બ્રિજ બંધ કરી દેવામાં આવે છે. ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજમાં અનેક વખત ગાબડા પડયા હોવાની ઘટના સામે આવી હતી. ગાબડા પડવાને કારણે તેનું રિપેરિંગ કરવા માટે અનેક વખત બ્રિજને બંધ રાખવામાં આવ્યો છે.
એક રિપોર્ટ સામે આવ્યો જેમાં ગુણવત્તાને લઈ ચોંકાવનારા ખુલાસા થયા
છેલ્લા 6 મહિનાથી રિપેરિંગના નામે આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારે બ્રિજની ગુણવત્તાને લઈ 2022માં સોલિડ એન્ડ મટિરિયલ ટેસ્ટિંગ લેબોરેટરીમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં હલકી ગુણવત્તા વાળા સામાનનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું હતું. સીઆઈએમઈસી લેબમાં કોંક્રિટનો પ્રાઈમરી ગણાતો રિબાઉન્ડ હેમર ટેસ્ટ ફેલ થયો હતો. ઉપરાંત બ્રિજના નિર્માણમાં એમ45 ગ્રે઼નો કોન્ક્રીટનો ઉપયોગ થવો જોઈતો હતો પરંતુ બ્રિજમાં અલગ ગુણવત્તા વાળા સામાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યારે આ રિપોર્ટને લઈ વિપક્ષે ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યા છે. વિપક્ષે આક્ષેપ લગાવતા કહ્યું કે 2022માં બ્રિજની ક્વોલિટીનો રિપોર્ટ આવી ગયો હતો પરંતુ ચૂંટણી હોવાથી તેને દબાવીને રાખવામાં આવ્યો હતો.
મુંબઈની પ્રતિષ્ઠિત લેબ દ્વારા કરવામાં આવ્યું ટેસ્ટિંગ
તે સિવાય જાન્યુઆરી 2023માં મુંબઈની પ્રતિષ્ઠિત લેબ કંપની ઈ-ક્યુબ દ્વારા પણ એક ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં અનેક ખુલાસા થયા હતા. રિપોર્ટમાં જણાવામાં આવ્યું હતું કે જે કોંક્રિટ વાપરવામાં આવી છે, તે સામાન્ય કોંક્રિટના મટિરિયલમાંથી બની છે. સિમેન્ટની ગુણવત્તા ખૂબ જ નીચી છે ઉપરાંત પાણીનું પ્રમાણ ખૂબ વધારે છે. જે મટિરિયલનો ઉપયોગ કરી આ બ્રિજ બનાવવામાં આવ્યો છે તે યોગ્ય નથી. બંને રિપોર્ટમાં બ્રિજની ગણવત્તાને લઈને રિપોર્ટ સંતોષકારક આવ્યો નથી. પરંતુ હજી સુધી આ અંગે કોઈ પગલા લેવામાં આવ્યા નથી.
સલામતીના ભાગરૂપે ઘણા સમયથી બ્રિજને રખાયો છે બંધ
આ બ્રિજનું કામ 2015માં શરૂ કરાયું હતું. બ્રિજનું નિર્માણ 2017માં પૂર્ણ થઈ ગયું હતું અને લોકો ઉપયોગ કરી શકે તે માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ઓછામાં ઓછી 50 વર્ષ સુધી આ બ્રિજ ટકશે તેવી વાતો કરવામાં આવી હતી. પરંતુ 5 વર્ષના સમયગાળામાં જ બ્રિજને ગાબડા પડવાને કારણે 6 વખત બંધ કરી દેવામાં આવ્યો હતો. સલામતીને ધ્યાનમાં રાખી ઓગસ્ટ 2022થી આ બ્રિજને બંધ રાખવામાં આવ્યો છે.