સમગ્ર દેશવાસીઓ દિવાળીનો તહેવાર મનાવી રહ્યા છે. આપણો દેશ સુરક્ષિત છે તેની પાછળનું કારણ છે દેશના સરહદની રક્ષા કરતા આપણા સૈનિકો. દેશની સીમા પર દેશના જવાનો ખડેપગે પોતાની ફરજ બજાવી રહ્યા છે જેને કારણે નિશ્ચિત પણે આપણા તહેવારની ઉજવણી કરી શકીયે છીએ. ત્યારે ભારતીય જવાનોએ જમ્મુમાં LoC પર દિવાળી મનાવી છે.
અમે બોર્ડર પર ઉભા છીએ, તમે શાંતિથી દિવાળી મનાવો - ભારતીય આર્મી
દેશની સુરક્ષા કરવા આર્મીના જવાનો પોતાના ઘરથી તેમજ પોતાના પરિવારથી દૂર રહેતા હોય છે. પરિવારથી દૂર રહી તેઓ તહેવારોની ઉજવણી કરતા હોય છે. સેનાના જવાનોએ દિવાળીની ઉજવણી કરતા સંદેશો આપ્યો કે અમે બોર્ડર પર ઉભા છીએ, તમે શાંતિથી દિવાળી મનાવો. દીવા પ્રગટાવી તેમજ ફટાકડા ફોડી આર્મીના જવાનોએ દિવાળીની ઉજવણી કરી હતી.
વડાપ્રધાન મોદી સરહદ પર સૈનિકો સાથે કરશે દિવાળીની ઉજવણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દિવાળીનો તહેવાર આર્મી જવાનો સાથે મનાવતા આવ્યા છે. જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે ત્યારથી તેઓ દર વર્ષે આર્મીની સાથે દિવાળીની ઉજવણી કરતા હોય છે. અલગ અલગ સરહદો પર જઈ તેઓ દિવાળીનો પર્વ મનાવતા હોય છે. આ વર્ષે પણ તેઓ સરહદ પર પોતાની દિવાળી મનાવાના છે.