છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. વરસાદને પગલે નદીઓમાં નવા નીરની આવક થઈ છે તો ડેમ પણ ઓવરફ્લો થઈ રહ્યા છે. ડેમમાં પાણીની આવક થતાં નવા નીરના વધામણાં કરવામાં આવી રહ્યા છે. નદીઓમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. સાબરમતી નદીમાં પાણી છોડતા ફ્લોટિંગ રેસ્ટોરા બંધ કરી દેવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે.
ડેમમાં તેમજ નદીઓમાં વરસાદી પાણીની બમ્પર આવક
ગુજરાતમાં વરસાદી મૌસમ ફૂલજોશમાં ખીલી છે. છેલ્લા થોડા દિવસોથી અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. અનેક જગ્યાઓ પર તો પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. જનજીવન પર સૌથી વધારે અસર વરસાદને કારણે પડી છે. સરદાર સરોવર ડેમ, કડાણા ડેમમાં તો પાણીની બમ્પર આવક થઈ છે. પરંતુ રાજ્યના અનેક ડેમો પણ પાણીથી છલોછલ છે. ડેમમાં પાણી આવતા નદીઓમાં પાણીને છોડવામાં આવતું હોય છે જેને કારણે સ્થાનિક લોકોને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવતી હોય છે. રસ્તા પર નદીઓના નીર વહેતા હોય તેવા દ્રશ્યો અનેક વખત આપણી સામે આવ્યા છે.
સાબરમતી નદીમાં થઈ પાણીની આવક
ભારે વરસાદને કારણે સરદાર સરોવર પોતાના મહત્તમ સપાટી પર પહોંચ્યો, કડાણા ડેમ સહિતના ડેમોમાં ભારે વરસાદ થવાને કારણે પાણીની જોરદાર આવક થઈ. પાણીની આવક થતાં નદીમાં પાણી છોડવામાં આવે છે. જેને કારણે ગુજરાતની અનેક એવી નદીઓ છે જે બે કાંઠે વહી રહી છે. ત્યારે અમદાવાદમાં તો ભારે વરસાદ નથી વરસ્યો પરંતુ અનેક જગ્યાઓ પર પડેલા ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે.
ફ્લોટિંગ રેસ્ટોરા સાવચેતીના ભાગરૂપે કરાયું બંધ
નદીમાં પાણી છોડાતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. સાવચેતીના ભાગરૂપે અનેક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું જેને કારણે નદીમાં નવા નીરની આવક થઈ છે. નદીમાં પાણી આવતા સુરક્ષાને ધ્યાનમાં રાખી ફ્લોટિંગ રેસ્ટોરા બંધ કરવામાં આવી છે. સ્થિતિ જેવી જ સામાન્ય બનશે તે બાદ ફરીથી આ સુવિધા પુન: શરૂ કરવામાં આવશે. એવી પણ માહિતી સામે આવી છે કે જો આગામી સમયમાં વરસાદ રહેશે તો રિવર ક્રૂઝ સેવા પણ બંધ કરી દેવામાં આવશે.