દરેક ઘરમાં નળ સુધી પાણી પહોંચે તે માટે સરકારે નલ સે જલ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. અનેક લોકોને આ યોજનાથી ફાયદો પણ થયો હતો ત્યારે અનેક એવા ગામડાઓ છે જ્યાં આ યોજના માત્ર કાગળ પર પહોંચી છે. આજે પણ ગામના લોકો પીવાના પાણી માટે વલખા મારતા હોય છે. અનેક અંતરિયાળ વિસ્તાર એવા છે જ્યાં પાણી માટે દુર દુર સુધી સુધી ચાલીને જવું પડતું હોય છે. ત્યારે દેદિયાપાડા તાલુકાના બેબાર ગામની પરિસ્થિતિ પણ આવી જ છે. તે સિવાય પાટણમાંથી પણ આવા દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં પાણી માટે લોકોને વલખા મારવા પડે છે.
પાણી માટે અંતરિયાળ વિસ્તારમાં લોકો મારે છે વલખા!
એક તરફ સરકાર સો ટકા નલ સે જલ યોજના પૂર્ણ થવાનો દાવો કરે છે પરંતુ આપણી સામે એવા અનેક ગામડાઓ છે જ્યાં પાણી માટે પણ લોકો વલખા મારે છે. મુખ્યત્વે અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામડાઓમાં આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે જ્યાં પાણી માટે લોકોએ કિલોમીટર સુધી ચાલવું પડતું હોય છે. દેદિયાપાડા તાલુકાના બેબાર ગામના લોકો પીવાના પાણી માટે લોકોને વલખા મારવા પડ્યા છે. આવા દ્રશ્યો પાટણથી પણ સામે આવ્યા છે.
સરપંચની બેદરકારીને કારણે લોકોને નથી મળતું પાણી!
કરોડો રૂપિયાના ખર્ચે સરકાર દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. પાણી પહોંચાડવા માટે કરોડો રુપિયા વાપરવામાં આવે છે. કરોડો રુપિયાનું પાણી થઈ જતું હોય છે. ત્યારે મળતી માહિતી અનુસાર બેબાર ગામમાં ઘરે ઘરે નળ મૂકાયા છે. પાણીની ટાંકી પણ મૂકાઈ છે. પરંતુ સરપંચની બેદરકારીને કારણે ગામના લોકો સુધી પાણી પહોંચતું નથી તેવા આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવ્યા છે. નલ સે જલ યોજના અંતર્ગત મૂકાયેલા નળથી પીવાનું પાણી મળતું નથી જેને કારણે પાણી ભરવા માટે દૂર જવું પડે છે. પાઈપ લાઈન હોવા છતાંય પાણી છોડાતું નથી. જેને કારણે પીવાનું પાણી લોકો સુધી પહોંચતું નથી.
સરકાર કેમ કરે છે 100 ટકા યોજના પૂર્ણ થવાનો દાવો?
અનેક એવી યોજનાઓ છે જે સરકાર દ્વારા સારા આશયથી શરૂ કરવામાં આવતી હોય છે. અનેક લોકો સુધી યોજનાઓ પહોંચી છે પરંતુ અનેક એવા ગામડાઓ છે જ્યાં નળ છે, પાઈપ છે પરંતુ નળમાંથી આવતું પાણી નથી. અનેક એવા ગામડાઓ છે જ્યાં પાઈપથી પાણી લોકોના ઘરે નથી પહોંચતા. ત્યારે સરકારને એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય કે જો યોજના લોકો સુધી પહોંચી જ નથી તો યોજના 100 ટકા પૂર્ણ થઈ હોય તેવા દાવા કેમ કરો છો.