દેશની રાજધાની દિલ્હીમાં ભારે વરસાદના કારણે સ્થિતી ચિંતાજનક બની છે. દિલ્હીમાં યમુનાની જળ સપાટીએ છેલ્લા 45 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હાલ યમુનાની જળ સપાટી 207. 55 મીટરે પહોંચી ગઈ છે. આ પરિસ્થિતી છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા સતત વરસાદ અને હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડવાના કારણે સર્જાઈ છે. આ પહેલા ભૂતકાળમાં 9 જુન 1978ના રોજ યમુના નદીની જળ સપાટી 207.49 મીટર નોંધવામાં આવી હતી.
ધોધમાર વરસાદની આગાહી
યમુનાની જળ સપાટીમાં રેકોર્ડ વૃધ્ધી બાદ હવે દિલ્હીમાં પૂરની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે. આ જ કારણે દિલ્હી વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. દિલ્હી સરકારે સંભવીત પૂરગ્રસ્ત વિસ્તારોમાં સીઆરપીસીની કલમ 144 અમલી બનાવી છે.
CM કેજરીવાલે બોલાવી ઈમર્જન્સી બેઠક
દિલ્હીમાં યમુના નદીમાં જળ સ્તરે વર્ષ 1978નો રેકોર્ડ તોડતા અને પૂરની આશંકાઓ વચ્ચે ઈમર્જન્સી બેઠક બોલાવી છે. દિલ્હી સચિવાલયમાં યોજાનારી આ બેઠકમાં વિવિધ સરકારી વિભાગના ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં પૂરથી ઉભી થનારી પરિસ્થિતીઓ અંગે ચર્ચા કરવામાં આવશે. તે ઉપરાંત રાહત અને બચાવ કામગીરીની રણનિતી અંગે પણ ચર્ચાની સંભાવના છે.