વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસો પહેલા લક્ષદ્વિપની મુલાકાત લીધી હતી. ભારતના લોકો લક્ષદ્વિપની મુલાકાત લે તેવું આહ્વાહન પણ તેમના દ્વારા કરવામાં આવ્યું. લક્ષદ્વિપનો પ્રચાર પણ પીએમ મોદીએ કર્યો. ફોટો શેર કરતા તેમણે લખ્યું ફરવા માટે લક્ષદ્વિપ જવું જોઈએ. તેમણે ક્યાંય માલદિવ્સનું નામ પણ ન લીધું હતું પરંતુ સોશિયલ મીડિયા પર બોયકોટ માલદિવ્સ ટ્રેન્ડ થવા લાગ્યું કારણ કે માલદિવ્સના એક મંત્રીએ ફોટા પર કમેન્ટ કરી કે ભારતના ટાપુ માલદિવ્સના ટાપુના સમુદ્ર તટની આગળ કંઈ નથી. આ ટિપ્પ્ણી બાદ રાજકારણ ગરમાયું છે. અનેક લોકોએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. આ વિવાદ એટલો બધો વધી ગયો કે માલદિવ્સના ત્રણ મંત્રી વિરૂદ્ધ કાયદેસર પગલા લેવાયા. ત્રણ મંત્રીની હકાલપટ્ટી કરવામાં આવી. વિવાદ છેડાતા માલદિવ્સના મંત્રી દ્વારા તે ટ્વિટને ડિલીટ કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે.
થોડા દિવસ પહેલા પીએમ મોદી ગયા હતા લક્ષદ્વિપની મુલાકાતે
કોઈ પણ દેશના વિકાસમાં ટુરિઝમ ક્ષેત્ર એક મહત્વની ભૂમિકા ભજવે છે. ભારતમાં પણ અનેક એવા ટુરિઝમ સ્પોર્ટ આવેલા છે. ભારતના ટુરિઝમને, ભારતમાં આવેલા સ્થળો વિશે લોકો જાણે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. ટુરિઝમ થકી તે ક્ષેત્રનો વિકાસ થાય, લોકો આવા ટાપુઓ વિશે જાણે તેવો પ્રયાસ પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યો. લક્ષદ્વિપની મુલાકાતના અનેક ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યા. તે ફોટો બાદ ભારતનું રાજકારણ તો ગરમાયું પરંતુ માલદિવ્સનું રાજકારણ પણ ગરમાયું. પીએમ મોદીએ અનેક ફોટો શેર કર્યા હતા જેમાં લોકોને લક્ષદ્વિપની મુલાકાત લેવા માટે અપીલ કરી હતી. ફોટો પર માલદિવ્સના મહિલા મંત્રી શિયુનાને વાંધાજનક ટિપ્પણી કરી હતી.
પીએમ મોદી તેમજ ભારત વિરૂદ્ધ ટિપ્પણી કરવી મોંઘી પડી
ફોટા પર માલદિવ્સના એક મંત્રીએ પોતાની ટિપ્પણી ઉમેરી કે માલદિવ્સના કિનારાની સરખામણીમાં ભારતના કિનારા કંઈ નથી. હવે આ એક ટિપ્પણી સાથે હંગામાનો દોર શરૂ થઈ ગયો છે. માલદિવ્સનું આંતરિક રાજકારણ પણ હચમચી ગયું છે. આ નિવેદનને લઈ અલગ અલગ લોકોની પ્રતિક્રિયા સામે આવી છે. માલદિવ સરકારે વડાપ્રધાન મોદી અને ભારત વિશે અપમાનજનક સોશિયલ મીડિયા પોસ્ટ કરવા પર તેમના મંત્રી મરિયમ શિઉના, માલશા અને હસન જીહાનને સસ્પેન્ડ કરી દીધા છે.
EasyMyTripએ માલદિવ્સની તમામ ફ્લાઈટ બુકિંગ કરી રદ્દ
આ વિવાદ ત્યાં સુધી પણ સીમિત નથી રહ્યો. માલદિવ્સના એક મંત્રી દ્વારા કરવામાં આવેલી ટ્વિટ માલદિવ્સને મોંઘી પડી શકે તેમ છે. ભારતીયોએ મંત્રીના નિવેદનનો સખ્ત વિરોધ કર્યો છે. માલદિવ્સની અનેક ફ્લાઈટ, હોટલ બુકિંગ ભારતીયો કેન્સલ કરાવી રહ્યા છે. EasyMyTripએ માલદિવ્સને મોટો ફટકો આપ્યો છે. કંપનીના સહ-સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) નિશાંત પિટ્ટીએ કહ્યું હતું કે માલદિવ્સ માટે તમામ ફ્લાઈટ બુકિંગ રદ કરવામાં આવી છે. મહત્વનું છે કે આ વિવાદને કારણે માલદિવ્સની અર્થવ્યવસ્થા પર મોટો ફટકો પડી શકે છે આવનાર દિવસોમાં. માલદિવ્સનું અર્થતંત્ર પર્યટન પર નિર્ભર રહેલું છે.