વડોદરાના વૈષ્ણવો માટે આઘાતજનક સમાચાર આવ્યા છે. પ્રખ્યાત વૈષ્ણવાચાર્ય વ્રજેશકુમાર મહારાજનું આજે સવારે 11.45 કલાકે અવસાન થયુ છે. તેઓ બહુ લાંબા સમયથી બીમાર હતા. થોડા દિવસથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. તેમણે આજે સવારે 11.45એ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે.
લાંબા સમયથી બીમાર હતા
વ્રજેશકુમાર વૈષ્ણવાચાર્ય પ.પૂ. ડો. વાગીશકુમાર તથા વૈષ્ણવાચાર્ય પ.પૂ. દ્વારકેશલાલજીના પિતા હતા. થોડા દિવસ પહેલા જ વ્રજેશકુમારની તબિયત અંગે પુત્ર ડો.વાગીશકુમારજી દ્વારા માહિતી આપવામાં આવી હતી. વૈષ્ણવાચાર્ય વ્રજેશકુમારની નાદુરસ્ત તબિયતને કારણે વૈષ્ણવોને શ્રી યમુનાષ્ટક પાઠ કરવા માટે પણ અપીલ કરવામાં આવી હતી.
નિધનથી શોકનો માહોલ
વૈષ્ણવ સંપ્રદાય તૃતીયા પિઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્ય શ્રી વ્રજેશ કુમારજીએ આજે અંતિમ શ્વાસ લેતા વડોદરાના વૈષ્ણવ સમાજમાં ઊંડા શોકની લાગણી ફેલાઇ ગઈ છે. વ્રજેશ કુમારના નિધનના સમાચાર મળતા જ વૈષ્ણવ સમાજના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ અને તેમના નિવાસસ્થાન પહોંચી રહ્યા છે. તેમના અંતિમ સંસ્કાર ક્યારે થશે તે અંગે કોઈ જાણકારી મળી શકી નથી. અત્રે ઉલ્લેખનિય છે કે પરમ પૂજ્ય ગોસ્વામી તૃતીય પિઠાધીશ્વર કાંકરોલી નરેશ વૃજેશકુમાર મહોદય ચાર વેદ, સંસ્કૃત વ્યાકરણ સહિત પુષ્ટિમાર્ગમાં અત્યંત વિદ્વાન તરીકે જાણીતા હતા.