દિલ્હીમાં એમસીડી ચૂંટણીને લઈ મતદાન શરૂ થઈ ગયું છે. મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા પહોંચી રહ્યા છે. નગર નિગમના 250 વોર્ડ માટે આજે મતદાન થઈ રહ્યું છે. આ ચૂંટણી માટે 1349 ઉમેદવારોએ નામાંકન કરાવ્યું છે. 13638 પોલિંગ બુથ પર આ ચૂંટણી માટેનું મતદાન યોજાઈ રહ્યું છે. સવારના 8 વાગ્યાથી શરૂ થયેલી આ મતદાન પ્રક્રિયા સાંજના 5:30 વાગ્યા સુધી ચાલવાની છે.
અરવિંદ કેજરીવાલે મતદાન કરવાની અપીલ કરી
દિલ્હી નગર નિગમ ચૂંટણીમાં ત્રિ-પાંખીયો જંગ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે આ ચૂંટણીમાં કાંટાની ટક્કર થવાની છે. નગર નિગમ ચૂંટણીને લઈ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી છે અને લોકોને મતદાન કરવા અપીલ કરી છે. અત્યારે નગર નિગમમાં ભાજપની સત્તા છે. સરકારી રિપોર્ટ અનુસાર દિલ્હીમાં કુલ મતદાર 1,45,05,358 છે. અનેક નેતાઓએ મતદાન પણ કરી દીધું છે.