એક તરફ લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીને લઈ ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ગુજરાતની 26 બેઠકોમાંથી ભાજપે 15 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. તો બીજી 11 બેઠકોના મતદાતાઓ પોતાના ઉમેદવારોની રાહ જોઈ રહ્યા છે. તેમના ત્યાંથી કોણ ઉમેદવાર હશે તે અંગે મતદાતાઓ વિચારી રહ્યા છે પરંતુ ગુજરાતમાં અનેક બેઠકો એવી છે જ્યાં વિધાનસભા માટે પેટાચૂંટણી યોજાવાની છે. અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. હજી સુધી પાંચ ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે લોકસભા ચૂંટણીની સાથે સાથે પેટા ચૂંટણી માટે પણ તૈયાર રહેવું પડશે.
આટલા ધારાસભ્યો આપી ચૂક્યા છે રાજીનામું
ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ઓપરેશન લોટસ એક્ટિવ થઈ રહ્યું છે. અનેક પાર્ટીઓના નેતાઓ, કાર્યકર્તાઓ પોતાની પાર્ટી છોડી ભાજપમાં આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. કોંગ્રેસના, આમ આદમી પાર્ટીના તેમજ અપક્ષના ધારાસભ્યો એ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. જો વાત કરીએ ધારાસભ્યોની તો ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપી દીધું હતું, તો વિજાપુરના ધારાસભ્ય સી.જે.ચાવડાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું.
ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી પૂર્વ ધારાસભ્યો કરી રહ્યા છે કેસરિયો
તે સિવાય વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે તો પોરબંદરના ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપી દીધું છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પણ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. સી.આર.પાટીલ તમામ પૂર્વ ધારાસભ્યોનું સ્વાગત કરી રહ્યા છે. ભાજપમાં ના માત્ર પૂર્વ ધારાસભ્યો જોડાઈ રહ્યા છે પરંતુ હજારો કાર્યકર્તાઓ પણ જોડાઈ રહ્યા છે. આ મતવિસ્તારોમાં આવતા મતદાતાઓએ વિધાનસભાની પેટા ચૂંટણી માટે તેમજ લોકસભાની ચૂંટણીના મતદાન માટે તૈયાર રહેવું પડશે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જે પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે તેમને પેટા ચૂંટણી માટે ભાજપ ઉમેદવાર બનાવી શકે છે.
જે કારણો આપવામાં આવે છે તે અનેક વખત ગળે નથી ઉતરતું!
પાર્ટી છોડવા પાછળનું જ્યારે નેતાઓ, ધારાસભ્યો કાર્યકર્તાઓ કારણ બતાવે છે ત્યારે અનેક વખત એવું થાય છે કે તેમના દ્વારા આપવામાં આવેલું કારણ ગળે નથી ઉતરતું. અનેક વખત કારણો આપવામાં આવે છે કે વિકાસના કાર્યો અટકી જતા હતા તે માટે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. મહત્વનું છે કે જો નેતાની કામ કરવાની નિયત હોય તો પક્ષ કેમ ના હોય તે સારૂં કામ કરી શકે છે! વિધાનસભામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું સંખ્યાબળ સતત ઘટી રહ્યું છે. ત્યારે આવનાર દિવસોમાં આ સંખ્યાબળ હજી પણ ઘટી શકે છે તેવી સંભાવનાઓ રહેલી છે.