રાજ્યમાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે તેનું એક કારણ શાળાઓમાં શિક્ષકોની ઘટ પણ છે. આ જ કારણે શિક્ષણ વ્યવસ્થાને લઈ જનાક્રોશ વધી રહ્યો છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વીટોજના ગ્રામજનો દ્વારા ગામની પ્રાથમિક શાળામાં તાળાબંધી કરી હતી. સાવલી તાલુકાના વીટોજ ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8માં 170 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આજ રોજ વિદ્યાર્થીઓ અને ગ્રામજનો દ્વારા શાળાના વહીવટમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે પ્રાથમિક શાળાના આચાર્યને બદલવાની માંગણી સાથે હોબાળો મચાવ્યો હતો. શાળાને તાળાબંધી કરવામાં આવતા જિલ્લાના પ્રાથમિક સંઘ પ્રમુખ રણજીત સિંહ પરમાર સહિત તાલુકા શિક્ષણ અધિકારી હેમંત માછી દોડતા થઈ ગયા છે.
શાળામાં અપુરતી સુવિધાના કારણે આક્રોશ
સાવલી તાલુકાના વીટોજના ગ્રામજનોએ આ મામલે જણાવ્યું હતું કે, તેમના ગામની શાળામા સારું શિક્ષણ મળતું નથી. 8 ક્લાસ માટે માત્ર 4 જ શિક્ષકો છે. શાળામાં બાળકોને પીવાનું શુદ્ધ પાણી, ખોરાક અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધા મળતી નથી. આ સાથે શાળામાં સ્વચ્છતાનો અભાવ છે.આ બાબતે અમે વારંવાર રજૂઆત કરી હતી. આમ છતાં અમારી રજૂઆત ધ્યાને ના લેવામાં આવતા આજે અમે શાળાને તાળાબંધી કરી છે. જ્યાં સુધી સારું શિક્ષણ તેમજ સારા શિક્ષકો નહી મળે ત્યાં સુધી શાળાને તાળાબંધી જ રહેશે. ગ્રામજનોએ આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીને પણ રજુઆત કરી હતી જો કે કોઈ પરિણામ ન આવતા અંતે તેમણે તાળાબંધીનું હથિયાર ઉગામ્યું હતું.