હવે સમગ્ર ગુજરાતમાં વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ શરૂ કરવામાં આવી છે. જો ઇ-મેમોની દંડની રકમ ત્રણ મહિનામાં ચૂકવવામાં નહીં આવે, તો ટ્રાફિક કોર્ટમાંથી આપોઆપ મેમો મોકલવામાં આવશે. વન નેશન વન ચલણ પ્રોજેક્ટ અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ અને આરટીઓ ચલણ સાથે સફળતાપૂર્વક સંકલિત કરવામાં આવ્યો છે. જેમાં વાહન માલિકના મોબાઈલ નંબર પર SMS દ્વારા માહિતી આપવામાં આવશે. અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં આજથી ગુજરાતની પ્રથમ વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટનો પ્રારંભ થયો છે.
વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ આપશે નોટિસ
જો કોઈ વાહનચાલક ટ્રાફિક અને RTOના ઈ-મેમોના દંડની રકમ 90 દિવસમાં નહીં ભરે તો તે સમયગાળા ઈ-મેમો વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટના સર્વરમાં મોકલી દેવાશે. આ કેસોમાં વાહનના માલિકને નોટિસ અને મોબાઈલ ફોન પર SMS મોકલાશે. આ SMSમાં ઓનલાઈન દંડ ભરવાની લિંક પણ હશે. જો દંડ ભરનારને દંડની રકમ સામે વાંધો હશે તો કેસ લડવા માટે જે-તે શહેરની અદાલતમાં તે કેસ મોકલી અપાશે. આ ઇ-ચલણનું પેમેન્ટ SBI ઈ-પેમેન્ટ ગેટવે સાથે સંલગ્ન છે. જેમાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, UPI, નેટ બેન્કિંગ વગેરે માધ્યમોથી દંડ ભરી શકાશે. એટલે કે ટ્રાફિકનો દંડ ભરવા હવે કોર્ટની લાઈનમાં ઉભા રહેવુ પડશે નહીં.
6500 CCTV કેમેરાની રહેશે નજર
અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી છે. લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે પોલીસ પણ સક્રિય બની છે. અગાઉ શહેરમાં માત્ર 3 ટ્રાફિક નિયમ તોડનારાઓને ઈ-મેમો મોકલવામાં આવતા હતા, હવે અમદાવાદ શહેરમાં 16 ટ્રાફિક નિયમ તોડનારાઓને ઘરે-ઘરે ઈ-મેમો મોકલવામાં આવશે. આ માટે શહેરના 130 ટ્રાફિક સિગ્નલો પર 6500 જેટલા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે.
નંબર પ્લેટ અંગે સાવચેત રહો
અમદાવાદ શહેરમાં, રિક્ષામાં સામાન્ય કરતાં વધુ મુસાફરો મુસાફરી કતા જોવા મળે છે. રિક્ષામાં ડ્રાઇવરની સીટ પર મુસાફરો બેસશે, BRTS કોરિડોરમાં વાહન ચલાવશે, ફોર વ્હીલરમાં કાળા કાચ કે ડાર્ક ફિલ્મ લગાવેલી હશે, જો તમે ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલ ફોન પર વાત કરતા હશો તો, ઇ. મેમો તમારા ઘરે પહોંચી જશે. આ ઉપરાંત જે વાહનોમાં HSRP સિવાયની નંબર પ્લેટ હશે તેમને પણ ઈ-મેમો મોકલવામાં આવશે.
નો પાર્કિંગ ઝોનમાં પાર્કિંગ કરતા ચેતજો
શહેરમાં ટૂ-વ્હીલર પર 2થી વધુ લોકો સવારી કરતા હોય, સ્પીડ લિમિટ ન હોય તો ઈ-મેમો આવશે. રોડ પર અને નો-પાર્કિંગ ઝોનમાં આડેધડ વાહનો પાર્ક કરનારા વાહનચાલકોને ઈ-મેમો આપવામાં આવશે. જો ફોર વ્હીલરમાં ડ્રાઈવરે સીટ બેલ્ટ ન પહેર્યો હોય અને બાઇક સવારે હેલ્મેટ પહેર્યું ન હોય તો ઈ-મેમો આવશે. શહેરમાં વાહનોની સ્પીડ નિયમ કરતાં વધુ હશે, ખોટી દિશામાં વાહન ચલાવતા પકડાશે તો ઈ-મેમો આવશે.