ભારતીય ક્રિકેટ ટીમનો બેટ્સમેન કિંગ કોહલી વર્લ્ડ કપની મેચ દરમિયાન ફુલ ફોર્મમાં જોવા મળી રહ્યો છે. વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડકપ સેમિફાઇનલ મેચમાં શાનદાર સદી ફટકારી છે. વિરાટ કોહલી હવે વન ડે ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. કોહલીએ 49 સદી ફટકારનાર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. કોહલીએ 279મી ઇનિંગ્સમાં પોતાની 50 વનડે સદી પૂરી કરી છે. ઉલ્લેખનિય છે કે આઈસીસી વિશ્વકપ 2023માં આ ત્રીજી સદી ફટકારી છે.
106 બોલમાં સદી
વિરાટ કોહલીએ લોકી ફર્ગ્યુસનના બોલ પર બે રન લઈને પોતાની સદી પૂરી કરી હતી. કોહલીએ 106 બોલમાં પોતાની સદી પૂરી કરી જેમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. કોહલીએ આ ઇનિંગ દરમિયાન અન્ય ઘણા ખૂબ જ ખાસ રેકોર્ડ બનાવ્યા છે.કોહલી હવે વર્લ્ડ કપની એક જ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે.
વર્લ્ડ કપની એક જ સિઝનમાં સૌથી વધુ 50 પ્લસ સ્કોર
વિરાટ કોહલીએ 80 રન બનાવતાની સાથે જ સચિનનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. સચિને 2003ના વર્લ્ડ કપમાં 673 રન બનાવ્યા હતા. કોહલી વર્લ્ડ કપની એક જ સિઝનમાં સૌથી વધુ 50 પ્લસ સ્કોર બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે. આ બાબતમાં પણ કોહલીએ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે, જેણે 2003ની સિઝનમાં 7 વખત 50 કે તેથી વધુ રન બનાવ્યા હતા.