દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની જામીન અરજી અંતે મંજૂર કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે વિપુલ ચૌધરીની જામીન અરજી મંજૂર કરી છે. વિપુલ ચૌધરીના જામીન બિનશરતી જામીન મંજૂર કરાયા છે. તેઓ દૂધસાગર ડેરીમાં કૌંભાંડના કેસમાં જેલમાં બંધ હતા.
વિપુલ ચૌધરી પર શું છે આરોપ?
ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે ડેરીમાં 800 કરોડની ઉચાપતનો ગંભીર આરોપ છે. દૂધસાગર ડેરીના ચેરમેન રહેવા દરમિયાન તેમણે નિયમનું ઉલ્લંઘન કરી મિલ્ક કુલરની બલ્કમાં ખરીદી, ડેરીના ચેરમેન તરીકે હટાવાતા કરેલા કોર્ટ કેસનો ખર્ચ ડેરીમાં ઉમેરવો, ટેન્ડર વિના ડેરીના કામ કરવા, ડેરીના હોર્ડિંગ્સ ઊંચો ભાવ આપનારી કંપની પાસેથી મેળવ્યા સહિતના આરોપો હતા. તેમની પર કુલ મળીને 800 કરોડનું કૌભાંડ આચરવાનો આરોપ મૂકાયો હતો.રાજ્યની ક્રાઈમ બ્રાન્ચે પણ આ આરોપ હેઠળ તેમની ધરપકડ કરી હતી. જો કે વિપુલ ચૌધરીની ધરપકડ થતા ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વિપુલ ચૌધરીની અર્બુદાએ ચૂંટણી પહેલા ભાજપ સામે દેખાવો અને વિરોધ પ્રદર્શનો પણ કર્યા હતા
કોણ છે વિપુલ ચૌધરી?
વિપુલ ચૌધરી મહેસાણામાં આવેલી દૂધસાગર ડેરીના સ્થાપક માનસિંહ ચૌધરીના પુત્ર છે. વિપુલ ચૌધરી ઉત્તર ગુજરાતના રાજકારણ અને સહકારી દૂધ મંડળી ક્ષેત્રે જાણીતું નામ છે. તેમના પિતા માનસિંહ ચૌધરીએ વર્ષ 1960માં દૂધ સાગર ડેરીની સ્થાપના કરી હતી. વિપુલ ચૌધરી દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન છે અને તે ઉપરાંત રાજ્યના ગૃહમંત્રી પણ રહી ચૂંક્યા છે. આજે સુપ્રીમ કોર્ટ દ્વારા વિપુલ ચૌધરીની જામીન અરજી મંજૂર થતાં ચૌધરી સમાજમાં ખુશી લહેર વ્યાપી ગઈ હતી.