રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેઓને આજે મહેસાણાની કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતાં. અમદાવાદ પોલીસની એક ટીમ વિપુલ ચૌધરીને મહેસાણા કોર્ટમાં લઈ ગઈ હતી. જ્યાં વિપુલ ચૌધરીના 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટમાં સરકારી વકીલે વિપુલ ચૌધરીના પત્ની ગાયબ હોવાની સાથે આ કેસમાં વધુ તપાસની જરૂર હોવાની રજૂઆત કરીને રિમાન્ડ માંગ્યા હતા. જો કે કોર્ટમાં બન્ને પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ વિપુલ ચૌધરીને વધુ રિમાન્ડની અરજી નામંજૂર કરીને તેઓને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે વિપુલ ચૌધરીની 800 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
વિપુલ ચૌધરીના રિમાન્ડ નામંજૂર
વિપુલ ચૌધરીની મહેસાણાની દૂધસાગર ડેરીમાં નાણાકીય ગેરરિતી આચરવાના આરોપ હેઠળ છેલ્લા 7 દિવસથી રિમાન્ડ ઉપર હતા. વિપુલ ચૌધરીના 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આજે મહેસાણા કોર્ટમાં હાજર કરાયા હતા અને સરકારી વકીલે વધુ 6 દિવસના રિમાન્ડ માટે સરકારી વકીલે માંગણી કરી હતી. જો કે કોર્ટે વિપુલ ચૌધરીના રિમાન્ડ નામંજૂર કરતા કોર્ટના હુકમ બાદ વિપુલ ચૌધરીને જ્યૂડિશિયલ કસ્ટડી માટે મહેસાણા સબજેલમાં લઈ જવામાં આવ્યા છે.
અર્બુદા સેનાના કાર્યકરોએ ઉજવણી કરી
વિપુલ ચૌધરીના કેસની સુનાવણી સમયે કોર્ટની બહાર અર્બુદા સેનાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વિપુલ ચૌધરીના રિમાન્ડ ના મંજૂર કરાતા અર્બુદા સેનાના કાર્યકરોમાં ખુશીની લહેર ફરી વળી હતી. કોર્ટમાંથી બહાર આવતાં જ વિપુલ ચૌધરીએ બધાનું અભિવાદન કર્યું હતું. આ સમયે અર્બુદા સેનાના કાર્યકરોએ અર્બુદા માતાની જયના નારા લગાવ્યા હતા.