મણિપુરમાં હિંસા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. અનેક વખત ત્યાંથી હિંસાના બનાવો સામે આવતા હોય છે. ત્યારે ગઈકાલે એટલે નવા વર્ષના પહેલા દિવસે મણિપુરમાં હિંસા ફરી ભડકી ઉઠી છે જેને કારણે 3 જેટલા લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટનાને કારણે હિંસા ફાટી નીકળી જેને કારણે 5 જિલ્લાઓમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર થૌબલ જિલ્લામાં ત્રણ લોકોની હત્યા ગોળી મારીને કરવામાં આવી. આ ફાયરિંગમાં પાંચ જેટલા લોકો ઘાયલ પણ થયા છે. ગોળીબારીને કારણે રાજ્યના પાંચ જિલ્લાઓમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. હિંસાને પગલે મુખ્યમંત્રીએ ઈમરજન્સી બેઠક પણ બોલાવી હતી.
મણિપુરમાં અનેક મહિનાઓથી ફાટી નીકળી છે હિંસા
એક તરફ લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હતા તો બીજી તરફ મણિપુરમાં ફરી એક વખત હિંસા ફાટી નીકળી છે. મણિપુરમાં કેવી સ્થિતિ છે તે અંગે વાત નથી કરવી કારણ કે તે તો તમે જાણો જ છો. અનેક મહિનાઓથી ત્યાં ભડકેલી હિંસા શાંત નથી થઈ રહી. અનેક લોકોના મોત આ ભડકેલી હિંસામાં થયા છે. થોડા સમય પહેલા મહિલાઓ સાથે થયેલા અત્યાચારનો એક વીડિયો સામે આવ્યો હતો જે બાદ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. સંસદમાં પણ આ મુદ્દાને લઈ વિરોધ પ્રદર્શન થયા.
આ જિલ્લાઓમાં લાદી દેવામાં આવ્યો કર્ફ્યુ
ત્યારે ફરી એક વખત ગઈકાલે મણિપુરમાં હિંસા ફાટી નીકળી છે. સોમવારે સાંજે થૌબલના લેંગોલ પહાડી વિસ્તારમાં 3 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હિંસામાં 11 જેટલા લોકો ઘાયલ થયા છે તેવી માહિતી સામે આવી છે. લોકોમાં એટલો રોષ હતો કે ગાડીઓને આગને હવાલે કરી દીધી હતી. હિંસાને જોતા પાંચ જિલ્લાઓમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો. થૌબલ, ઇમ્ફાલ ઇસ્ટ, ઇમ્ફાલ પશ્ચિમ, કાકચિંગ અને બિષ્ણુપુર જિલ્લામાં ફરી કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.
ઘટનાને લઈ શું કહ્યું મણિપુરના મુખ્યમંત્રીએ?
હિંસા ફાટી નીકળતા મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહેનો એક વીડિયો સંદેશો સામે આવ્યો છે જેમાં તે આ ઘટનાની નિંદા કરી રહ્યા છે. શાંતિ જાળવવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે પોલીસ ગુનેગારોને પકડવા માટે કામ કરી રહી છે. ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે અને કાયદા મુજબ સજા કરવામાં આવશે. આ હિંસામાં 180થી વધુ લોકોના મોત થઈ ગયા છે.