ગુજરાતના ડીજીપી તરીકે વિકાસ સહાયની નિમણૂંક કરવામાં આવી છે. આશિષ ભાટીયાની નિવૃત્તિ બાદ વિકાસ સહાયને કાયમી ડીજીપી બનાવવામાં આવ્યા છે. આ અંગે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આજ સાંજ સુધીમાં નવા ડીજીપી તરીકેનો ચાર્જ તે સંભાળી શકે છે. વિકાસ સહાય 1989 બેચના આઈપીએસ અધિકારી છે.
કોનું કોનું નામ ચર્ચાઈ રહ્યું હતું?
31 જાન્યુઆરીના રોજ આશિષ ભાટિયાનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે. આશિષ ભાટિયા બાદ આ કારભાર કોણ સંભાળશે તેને લઈ ચર્ચાઓ ચાલી રહી હતી. આ રેસમાં અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ, વિકાસ સહાય તેમજ અજય તોમરનું નામ ચાલી રહ્યું હતું. જે બાદ વિકાસ સહાયના નામ પર મહોર લાગી છે. આશિષ ભાટિયા નિવૃત્ત થતાં ઈન્ચાર્જ ડીજીપી તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી જે બાદ તેમને કાયમી ડીજીપી બનાવાયા છે.
1989 બેચના આઈપીએસ અધિકારી છે વિકાસ સહાય
વિકાસ સહાય 1989 બેચના આઈપીએસ છે. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદમાં તાલીમ લીધી હતી. પોલીસ વિભાગમાં 1999માં એસપી આણંદ, 2001માં એસપી અમદાવાદ ગ્રામ્ય તરીકે ફરજ બજાવી હતી. વર્ષ 2002માં અમદાવાદ શહેરના ડીસીપી ઝોન 2 અને 3, 2004માં અમદાવાદ શહેરની ડીસીપી ટ્રાફિક, એડિશનલ સીપી ટ્રાફિક જેવા અસંખ્ય મહત્વના હોદ્દાઓ સંભાળ્યા છે. ત્યારે હવેથી વિકાસ સહાય રાજ્યના કાયમી ડીજીપી તરીકેનો ચાર્જ સંભાળશે.