ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે ત્યારે તમામ પક્ષો રણનીતિ તૈયાર કરવામાં વ્યસ્ત બની છે. ભાજપે મહત્વનો નિર્ણય લઈ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબ-ચંદીગઢના પ્રભારી તરીકેની જવાબદારી સોંપી છે. હવે રૂપાણીની પરંપરાગત રાજકોટ પ્રશ્ચિમ બેઠકને અંગે મહત્વના સમાચાર આવ્યા છે. ભાજપે રૂપાણીની બેઠક માટે નવા ઉમેદવારની શોધ શરૂ કરી દીધી છે.
રૂપાણીએ ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી
વિજય રૂપાણી ખુદ તેમની સીટ પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી ચુંક્યા છે. 27 ઓગસ્ટના રોજ વિજય રૂપાણી સોમનાથ મહાદેવના દર્શન કરવા ગયા હતા એ દરમ્યાન તેઓએ ગુજરાતમાં ચૂંટણી લડવા અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, 'પાર્ટી જો ટિકિટ આપશે, તો ચૂંટણી લડીશ.'અમે કોઇ પદ માટે કામ કરતા નથી. કોઈ ટિકિટો માટે કામ કરતા નથી. એક સ્વપ્ન છે કે ભારતમાતા શક્તિશાળી ભારતમાતા બને. ભારત પરમ વૈભવના શિખર પર પહોંચે એ માટે એક સ્વપ્નથી અમે કામ કરીએ છીએ. પાર્ટી જે કંઇ કામ સોંપે છે એ હંમેશા અમે કરતા આવ્યા છીએ. ચૂંટણી લડવાનું કહે તો લડીએ, ચૂંટણી ન લડવાનું કહે તો ચૂંટણી જીતવા માટે કામ કરીએ છીએ. આ અમારી એક પદ્ધતિ રહી છે.'