ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. પરંતુ ભાજપ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરે તે પહેલા અનેક નેતાઓએ ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. તેઓ ઉમેદવારી નથી નોંધાવી રહ્યા પરંતુ પાર્ટી અને ઉમેદવારનો પ્રચાર કરી રહ્યા છે. મોરબી ખાતે મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. શનળા રોડ પર સરદાર બાગ નજીક આ કાર્યાલયોનો પ્રારંભ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યો હતો. વિજય રૂપાણીએ કહ્યું કે ભાજપ જે બોલે છે તે કરી બતાવે છે. ઉપરાંત કોંગ્રેસ માટે તેમણે કહ્યું કે કોંગ્રેસ ન માત્ર ગુજરાતમાં પરંતુ આખા દેશમાંથી ધીરે ધીરે સમાપ્ત થઈ રહી છે.
પોતાના સંબોધનમાં કર્યો અયોધ્યાનો ઉલ્લેખ
વિધાનસભા ચૂંટણી પૂર્વે દરેક પાર્ટી પોતાનો તેમજ ઉમેદવારોનો પ્રચાર કરી રહી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારને જીતાડવા તંતોડ મહેનત કરી રહી છે. ત્યારે ભાજપ પોતાના ઉમેદવારો જાહેર કરે તે પહેલા પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી સહિતના અનેક દિગ્ગજ નેતાઓએ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી દીધી હતી. તેઓ ભલે ચૂંટણી નથી લડવાના પરંતુ તેઓ પાર્ટી અને ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યા છે. ત્યારે મોરબી ખાતે વિજય રૂપાણી મોરબીના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયા માટે પ્રચાર કરવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે નિવેદન આપતા કહ્યું કે આ ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નથી પરંતુ આ ચૂંટણી અયોધ્યામાં રામ મંદિર બનાવનારા અને રામ મંદિરને અટકાવનારાએ વચ્ચેની છે.
ભાજપ જે બોલે છે તે કરી બતાવે છે - વિજય રૂપાણી
વધુમાં તેમણે કહ્યું હતું કે ભાજપ જે બોલે છે તે કરી બતાવે છે. કલમ 370નો પણ તેમણે પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આ ચૂંટણી કાશ્મીરમાં 370ની કલમ હટાવનાર અને કલમ ન હટાવવાની લાગણી રાખનાર વચ્ચે છે. આટલું કહ્યા પછી કોંગ્રેસ પર સીધા પ્રહાર કર્યા હતા અને કહ્યું કે કોંગ્રેસ ન માત્ર ગુજરાતમાં, પરંતુ રાષ્ટ્રીય સ્તરે ખતમ થઈ રહી છે. કોંગ્રેસ દિશાહીન છે, તેની પાસે ચૂંટણીના કોઈ મુદ્દા નથી.
રૂપાણીએ આપ્યું નવું સૂત્ર
ભાજપે મોરબી માટે કાંતિભાઈ અમૃતિયાને ટિકિટ આપી છે. એવું માનવામાં આવી રહ્યું છે કાંતિભાઈ અમૃતિયાએ દુર્ઘટના વખતે કરેલી કામગીરીને ધ્યાનમાં રાખી પાર્ટીએ તેમને ટિકિટ આપી છે. ઉપરાંત વિજય રૂપાણીએ 'યુવાનો કો કામ, અયોધ્યામે રામ, કિસાનોકો સહી દામ' સૂત્ર પણ આપ્યું.