નવરાત્રી દરમિયાન આપણે માતાજીની આરાધના કરતા હોઈયે છીએ. માતાજી પ્રસન્ન થઈ ભક્તોને આશીર્વાદ આપે છે. માતાજીનો મહિમા અપરંપાર છે. માત્ર મનુષ્યો જ નહીં પરંતુ મનુષ્ય રૂપે અવતરેલા ભગવાનો પણ માતાજીની ઉપાસના કરતા હતા. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણ તેમજ ભગવાન રામે પણ મા આદ્યશક્તિની આરાધના કરી છે. નવરાત્રીના નવ દિવસ બાદ દસમા દિવસને વિજયા દશમી તરીકે મનાવવામાં આવે છે. વિજયા દશમી એટલે અધર્મ પર ધર્મનો વિજય, અસત્ય પર સત્યનો વિજય.
શા માટે શ્રીરામે કરી હતી મા આદ્યશક્તિની ઉપાસના ?
માતા સીતાનું હરણ કરી લંકાપતિ રાવણ તેમને લંકા લઈ ગયા હતા. સીતા માતાને પરત લાવવા ભગવાન રામે વાનરસેના સહિત રાવણ સાથે યુદ્ધ કર્યું હતું. પરંતુ રાવણને હરાવવામાં ભગવાન રામ નિષ્ફળ જતા હતા. રાવણ પરાસ્ત થાય તે માટે ભગવાન રામે માતા આદિશક્તિને પ્રસન્ન કરવા તપ કર્યું હતું. ભગવાન રામની ભક્તિ જોઈ દેવી પ્રસન્ન થયા. માતાજીએ આશીર્વાદરૂપે ભગવાન રામને દિવ્યાસ્ત્રો આપ્યા હતા. માતાજી દ્વારા અપાયેલા દિવ્યાસ્ત્રોની મદદથી ભગવાન રામ રાવણનો અંત દસમના દિવસે કર્યો હતો. જેથી આસો સુદ દશમને વિજયા દશમી તરીકે મનાવવામાં આવે છે.
વિજયા દશમીની બીજી પ્રચલિત કથા
બીજી માન્યતા અનુસાર માતાજીએ મહિષાસુરનો વધ દશેરાના દિવસે કર્યો હતો. દેવોને ત્રાસ આપનાર મહિષાસુરનો અંત દશેરાના દિવસે થતા તમામ દેવતાઓ પ્રસન્ન થયા હતા. અને માતાજીના વિજયથી આનંદિત થઈ દેવતાઓએ આ દિવસને વિજયા દશમી તરીકે ઉજવ્યો હતો.
જીવનમાં વિજયા દશમીનું મહત્વ
વિજયા દશમીને સરળ અર્થમાં સમજીએ તો વિજયા દશમી એટલે જ્ઞાન, સત્ય અને ધર્મને પાતોના જીવનમાં ઉતારવાનો દિવસ. દૈત્યોનો નાશ કરી ધર્મની સ્થાપના કરવામાં આવી હતી. આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવાનું પર્વ એટલે વિજયા દશમી. આત્માને પરમાત્માનું જ રૂપ માનવામાં આવે છે. આપણામાં રહેલી ઈન્દ્રીયો આપણા શસ્ત્રો છે. ઈન્દ્રીયો પર વિજય મેળવવાનો દિવસ એટલે વિજયા દશમી. એટલા માટે જ વિજયા દશમીના દિવસે શસ્ત્રપૂજન કરવામાં આવે છે. પોતાનામાં રહેલી આસુરી શક્તિઓનો નાશ કરવા અને આત્મજ્ઞાનની અનુભૂતિ થાય તે માટે આ પર્વને ઉજવવામાં આવે છે.