ગુજરાતમાં ચૂંટણીની મોસમ જામી છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ પ્રચાર માટે ગુજરાત આવવાના છે. વડાપ્રધાન થોડા સમયમાં જ ગુજરાત આવી અંદાજીત 150 જેટલી બેઠકો પર ચૂંટણી પ્રચાર કરશે ઉપરાંત કોંગ્રેસનો પ્રચાર કરવા રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી આવવાના છે. જ્યારે આમ આદમી પાર્ટી પણ પોતાના પ્રચારકોને પ્રચાર માટે ઉતારી રહી છે.
ભાજપ પોતાના સ્ટાર પ્રચારકોને ઉતારશે પ્રચાર માટે
ચૂંટણી પંચ દ્વારા જ્યારથી ચૂંટણી માટે તારીખની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. અનેક વખત ગુજરાતના પ્રવાસે આવી વડાપ્રધાન મોદીએ ભાજપનો જોર-શોરથી પ્રચાર કર્યો છે. અમિત શાહ પણ અનેક વખત ગુજરાતમાં આવી ચૂંટણીને લઈ પ્રચાર કર્યો છે તેમજ રણનીતિ પણ બનાવી છે. ત્યારે ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થયા ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી બહાર પાડી દીધી છે. પ્રધાનમંત્રી પોતાના પ્રવાસ દરમિયાન અનેક સ્થળો પર રોડ-શો પણ કરવાના છે. સ્ટાર પ્રચારકો ગુજરાત આવી ડબલ એન્જિન સરકાર દ્વારા કરવામાં આવેલા કામો જનતા સુધી પહોંચાડશે.
રાહુલ તેમજ પ્રિયંકા ગાંધી કોંગ્રેસનો કરશે પ્રચાર
કોંગ્રેસ પણ ગ્રાઉન્ડ લેવલ પર પ્રચાર કરી રહી છે. ગામડે ગામડે કોંગ્રેસ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસનો પ્રચાર કરવા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, પી.ચિદમ્બરમ, શક્તિસિંહ ગોહિલ તેમજ અનેક દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે. પોતાના પ્રચારમાં કોંગ્રેસ પોતાની પાર્ટી દ્વારા કરવામાં આવેલા કામો તો ગણાવે છે પરંતુ ભાજપ પર પણ પ્રહાર કરે છે.
અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન કરી રહ્યા આપનો પ્રચાર
ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પણ જોર-શોરથી પ્રચાર કરી રહી છે. આમ આદમી પાર્ટી પણ પ્રચારમાં કોઈ કસર છોડવા નથી માગતી. આમ આદમી પાર્ટીના પ્રચાર માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવી રહ્યા છે. રાઘવ ચડ્ડા પણ આપનો પ્રચાર કરી રહ્યા છે.
પ્રચારથી શું મતદારો થશે આકર્ષિત?
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થવાનું છે. પહેલી અને પાંચ ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભા બેઠક માટે મતદાન થવાનું છે અને જેના પરિણામો આઠમી ડિસેમ્બરે આવવાના છે. ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવેલો પ્રચાર મતદારોને રિઝવવામાં કેટલો સફળ થશે તે મતગણતરીના દિવસે ખબર પડશે.