લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. છેલ્લા થોડા સમયમાં આવા સમાચાર સામે આવવા સામાન્ય બની ગયા છે આ બધા વચ્ચે સુરેન્દ્રનગરથી સાંસદ રહી ચૂકેલા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોમાભાઈ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને લેખિતમાં તેમણે રાજીનામું આપ્યું છે. સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ અને લિંબડીના પૂર્વ ધારાસભ્ય તથા કોળી સમાજના નેતા સોમાભાઈ ગાંડાલાલ પટેલે કોંગ્રેસને અલવિદા કહી દીધું છે.
સોમાભાઈ પટેલે કોંગ્રેસને કહ્યા રામ રામ!
એક બાદ એક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ પક્ષનો સાથ છોડી રહ્યા છે. એક બાદ એક ઝટકા કોંગ્રેસને લાગી રહ્યા છે. થોડા સમય પહેલા કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપનાર રોહન ગુપ્તાએ કેસરિયો ધારણ કરી લીધો છે તો કોંગ્રેસના દિગ્ગજ નેતા સોમાભાઈ પટેલે કોંગ્રેસને રામ રામ કહી દીધા છે. અચાનક આવા નિર્ણયને કારણે અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે.
રાજીનામા પાછળ આપ્યું આ કારણ
એવું માનવામાં આવી રહ્યું છે કે સુરેન્દ્રનગર બેઠક પરથી સોમાભાઈ ટિકીટ ઈચ્છી રહ્યા હતા પરંતુ કોંગ્રેસે ઋત્વિક મકવાણાને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપ દ્વારા ચુવાળીયા કોળી સમાજના ચંદુભાઈ શિહોરની સામે કોંગ્રેસે સોમાભાઈની જગ્યાએ ઋત્વિક મકવાણાને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે લોકસભા બેઠક માટે ઉમેદવાર તરીકે જાહેર ના કરાતા તેમણે રાજીનામું આપી દીધું હોય તેવું માનવામાં આવી રહ્યું છે. રાજીનામામાં તેમણે કોંગ્રેસ છોડવાનું કારણ પણ દર્શાવ્યું હતું. પત્રમાં તેમણે લખ્યું કે માા અંગત કારણોસર કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપું છું...