મોંઘવારીથી ત્રસ્ત લોકોને વધુ એક ફટકો પડ્યો છે, રાજ્યમા કમોસમી વરસાદથી શાકભાજીને વ્યાપક નુકસાન થતાં જીવનજરૂરી એવી વિવિધ શાકભાજીના ભાવ ફરી આસમાને પહોંચ્યા છે. હોલસેલ માર્કેટમાં શાકભાજીના ભાવામાં 30થી 40 ટકા જેટલો વધારો થયો છે. રાજ્ય સરકારના અનુમાન મુજબ કમોસમી વરસાદથી શાકભાજીને નુકસાન તથા લગ્નસરાની સીઝનના કારણે શાકભાજીની માગમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. માવઠાથી ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે તો અચાનક જ શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.
શાકભાજીના ભાવમાં ભડકો
શાકભાજીની ખેતી માટે જાણીતા દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ થતાં પાપડી, વટાણા, ભીંડા સહિતની શાકભાજીની વાડીઓમાં પાણી ભરાતા ભારે નુક્સાન થયું છે. દક્ષિણ ગુજરાતની જેમ જ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો મહત્તમ ભાગ માવઠાનો શિકાર બનતા તુવેર, ગુવાર, ટામેટાના છોડ અને દૂધી, કાકડીના વેલાઓને ભારે નુક્સાન થયું છે. કમોસમી વરસાદના કારણે શાકભાજીમાં જીવાત પકડવાની તથા નાના છોડ અને વેલાઓ કોહવાવાની શક્યતા રહેલી છે. હોલસેલ માર્કેટમાં 30 રૂપિયાના ભાવે વહેંચાતા ટામેટા 40 સુધી તો 35 રૂપિયાના ભાવે વેચાતા રિંગણ, વટાણા, તુવેરના ભાવ વધીને 45 સુધી પહોંચવાની શક્યતા છે. હાલમાં શાકભાજીના ભાવ શું છે તેના પર નજર કરીએ તો પાલક 80, આદુ 160, મેથી 100, ટામેટા 60થી 70, રીંગણ 80, ભીંડા 80, કોબીઝ 60, ગવાર 100, ફ્લાવર 60 રૂપિયે કિલો વેચાઇ રહ્યા છે. સ્વાભાવિક રીતે આ નુકસાનની અસર બજારોમાં પણ જોવા મળવા લાગી છે. રાજ્યમાં પાકતા શાકભાજીના ભાવમાં 20થી 30 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.
સિંગતેલના ભાવમાં પણ આસમાને
સિંગતેલના ભાવમાં 50 રૂપિયા સુધીનો વધારો થયો છે. મગફળીનો પાક તો અગાઉ તૈયાર થઈ ગયો છે અને અંદાજીત 40 લાખ ટન પાકનો અંદાજ સરકારે જાહેર કર્યો છે. 20 તારીખે સિંગતેલનો ભાવ 2635-2685ની નીચી સપાટી સુધી પહોંચ્યો હતો. પરંતુ 26 તારીખ મહત્તમ ભાવ 2735 સુધી પહોચ્યો પરંતુ ગઈકાલે ભાવ 2735-2785નો રહ્યો હતો.જો કે કપાસિયા તેલના ભાવ હાલ સ્થિર જોવા મળી રહ્યા છે.