ઉત્તરગુજરાતના રાજકારણમાં સૌથી ચર્ચામાં રહેતું નામ એટલે ગેનીબેન ઠાકોર. પોતાના નિવેદનને લઈ વાવના ધારસભ્ય હમેશાં ચર્ચામાં રહેતા હોય છે. થોડા દિવસ પહેલા ગેનીબેનના ભાઈ દારૂની બોટલ સાથે પકડાયા હતા. જે બાદ રાજકારણ ગરમાયું હતું કારણ કે દારૂબંધીનું કડક રીતે અમલ થાય તે માટે ગેનીબેન ઠાકોરે અનેક વખત રજૂઆત કરી હતી. પરંતુ થોડા દિવસો પહેલા જ તેમના ભાઈને દારૂની બોટલ સાથે LCBએ પકડી પાડ્યા હતા.
ગેનીબેનની રાજકીય કારકિર્દીને પહોંચ્યું છે નુકસાન
આ બાદ ગેનીબેન ઠાકોર એક્શન મોડમાં આવી ગયા છે. પોલીસે ગેનીબેનનો ભાઈ દારૂ સાથે પકડાયા હોવાનું વારંવાર જાહેર કરી જેને કારણે તેમની રાજકીય કારકિર્દીને નુકશાન પહોંચડ્યું છે તેવા આરોપો તેમણે કર્યા છે. છબી ખરાબ થયા બદલ તેમણે બનાસકાંઠાના SP, દિયોદરના DySP, પોલીસ કોન્સ્ટેબલ અને ભાભર ભાજપ પ્રમુખને નોટિસ પાઠવી છે. મીડિયા સમક્ષ માફી માગી 30 હજાર વળતર પેટે આપવાનું પણ કહ્યું છે .
આટલા અધિકારીઓને ગેનીબેને ફટકારી નોટિસ
આ મુદ્દે અમે ગેની બેન ઠાકોર સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે થોડા દિવસ પહેલા તેમના ભાઈને બે દારૂની બોટલના ખોટા કેસમાં પકડવામાં આવ્યો હતો. ત્યારે FIRમાં પોલીસ દ્વારા ગેનીબેન ઠાકોરના ભાઈ ન હોવાનો ઉલ્લેખ હતો. તેમ છતાં પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગેનીબેન ઠાકોરના ભાઈ હોવાનો વારંવાર ઉલ્લેખ કરી તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું એટલે બનાસકાંઠાના SP અક્ષયરાજ મકવાણા, દિયોદરના DySP ડી. ટી. ગોહિલ, પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ ચૌધરી અને ભાભર ભાજપ પ્રમુખ અમરત માળીને નોટિસ પાઠવી છે. અને જો એ સાચ્ચા છે તો કોર્ટમાં સાબિત કરે નહીંતો માફી માંગે.
ગેનીબેન ઠાકોરના ભાઈ કહી તેમની છબીને બગાડવાનું કામ કર્યું !
નોટિસમાં ગેનીબેને જુદા-જુદા 13 જેટલા મુદ્દાઓને આવરી લઈ 10 પાનાની નોટિસ બધાને મોકલી છે. નોટિસમાં જણાવ્યા મુજબ "ફરિયાદમાં MLA ગેનીબેનના ભાઈ તરીકેનો ઉલ્લેખ ન હોવા છતાં આ તમામે મીડિયા સમક્ષ આપેલા નિવેદનમાં વાવ MLA ગેનીબેન ઠાકોરના ભાઈ શબ્દ વારંવાર ઉચ્ચારી તેમની બદનક્ષી કરી છે. જેથી પ્રાથમિક તબક્કે દરેકની વિરુદ્ધ માનહાનિના વળતર સ્વરૂપે પાંચ કરોડનો દાવો કરવા કટિબદ્ધ છીએ.'ત્યારે બનાસકાંઠા પોલીસ vs ગેનીબેન ઠાકોરની આ લડાઈ કયા પહોંચે છે તે જોવાનું રહ્યું!