એક તરફ કોંગ્રેસ ખાલીખમ થઈ રહી છે તો બીજી તરફ ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ રહી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાઈ રહ્યા છે. ગઈકાલે જ પીઢ નેતા ગણાતા અર્જુન મોઢવાડિયા, અંબરીશ ડેર સહિતના નેતાઓનું ભાજપમાં સ્વાગત કરવામાં આવ્યું. હાલની પરિસ્થિતિ જોતા જો આપણે એવું કહીએ કે કોંગ્રેસના દિવસો ખરાબ ચાલી રહ્યા છે તો અતિશયોક્તિ નહીં કહેવાય. કોંગ્રેસ પક્ષને છોડી ભાજપમાં જોડાઈ રહેલા ધારાસભ્યો, નેતાઓ, કાર્યકર્તાઓને લઈ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે. નિવેદન આપતા તેમણે કહ્યું કે હાલ ભાજપનું પલડું ભારે છે એટલે સ્વાર્થી લોકોએ તે બાજુ ઝૂકી રહ્યા છે. આ બાજુ પલળું ભારે થશે એટલે ફરી પાછા આ બાજુ આવશે.
અનેક ધારાસભ્યો છોડી રહ્યા છે કોંગ્રેસનો હાથ!
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આવતી કાલે ગુજરાતમાં પ્રવેશ કરવાની છે. યાત્રાનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ યાત્રા એવા વિસ્તારોમાંથી નીકળે જ્યાં કોંગ્રેસનું પ્રભુત્વ હોય. આદિવાસી વિસ્તારોને કવર કરવાની કોશિશ આ યાત્રામાં કરવામાં આવી રહી છે. એક તરફ રાહુલ ગાંધીના આગમનને લઈ તૈયારી કરવામાં આવી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ પોતાના સંગઠનને પકડી રાખવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા નેતાઓ પક્ષને છોડી જઈ રહ્યા છે. પક્ષપલટાની મોસમ જામી છે અને જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ ભાજપ કોંગ્રેસ યુક્ત બનતી જશે તેવું હાલની પરિસ્થિતિ જોતા લાગે છે. આગામી સમયમાં કોંગ્રેસના અનેક ધારાસભ્યો કોંગ્રેસને છોડી જઈ શકે છે તેવી માહિતી સામે આવી છે.
ગેનીબેન ઠાકોરે આપ્યું નિવેદન અને કહ્યું કે...
આ બધા વચ્ચે જ્યારે અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાયા ત્યારે તે બાદ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કહ્યું કે, જે લોકો કોંગ્રેસ છોડીને બીજી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એ એમની વિચારધારા છે. હું એમાં પડવા માંગતી નથી. વર્ષોથી કોંગ્રેસ પક્ષમાં રહીને અનેક હોદાઓ ઉપર રહ્યા, કોંગ્રેસે તેમને તકો આપી અને એવા લોકો કોંગ્રેસના ખરાબ સમયમાં કોંગ્રેસ છોડે એટલે એ વિસ્તારના લોકો અને કાર્યકર્તાઓની લાગણી દુભાતી હોય છે. આજે જે લોકો પાર્ટી છોડી ભાજપમાં જોડાઈ રહ્યા છે તે સ્વાર્થી નેતાઓ છે.