વાવના કોંગ્રેસી ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના ભાઈ દારૂ પીધેલી હાલતમાં ઝડપાતા હોબાળો મચી ગયો હતો. ગેનીબેન ઠાકોરના સગા ભાઈ રમેશ ઠાકોર સામે બનાસકાંઠા પોલીસે ફરીયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન ગેનીબેનના ભાઈ રમેશ ઠાકોરનો FSL રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ હવે રમેશ ઠાકોર સામે પોલીસને પૂરાવાઓ હવે મજબૂત બન્યો છે. રમેશ ઠાકોરને ભાભરના અબાસણા ગામે દરોડો પાડીને FSLની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
સેમ્પલ ગાંધીનગર મોકલ્યા હતા
ભાભર પોલીસ મથકે આ મામલે ફરીયાદ નોંધાઈ હતી. જેને લઈ પોલીસે રમેશ ઠાકોરનો મેડિકલ ટેસ્ટ કરીને સેમ્પલ ફોરેન્સિક તપાસ માટે ગાંધીનગર સ્થિત ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ હાલમાં સામે આવ્યો છે. જે રિપોર્ટ પોઝિટિવ હોવાનુ સામે આવ્યુ છે. ધારાસભ્ય ગેનીબેન ઠાકોર બનાસકાંઠામાં દારુના વેચાણને લઈ ખૂબ જ રજૂઆત કરીને દારુની ભઠ્ઠીઓને જનતા રેડ કરીને તોડી હતી. કડક કાર્યવાહી માટે માંગ કરીને પોલીસ સામે આક્ષેપો કર્યા હતા.
શું હતો સમગ્ર મામલો?
પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ LCB પોલીસને ભાભરના અબાસણા ગામે જાહેરમાં દારૂ પીને એક વ્યક્તિ ધમાલ કરતો હોવાની બાદમી મળી હતી. આ બાતમીને આધારે અબાસણા ગામે LCB એ રેડ કરી જેમાં પ્રહલાદ મનાજી ઠાકોરના ઘરની નજીકથી રમેશ નગાજી ઠાકોર પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. તેની પાસેથી દારૂની બોટલ મળી આવી હતી જેથી પોલીસે અટકાયત કરી ભાભર પોલીસ મથકે લાવી તેની વિરુદ્ધ પ્રોહીબિશન એક ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.