રાજસ્થાનમાં દિવસેને દિવસે રાજનીતિ ગરમાઈ રહી છે. 11 એપ્રિલના રોજ સચિન પાયલોટ જયપુરના શહીદ સ્મારક સ્થળ પર એક દિવસના ધરણા પર બેઠા હતા. અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે ચાલી રહેલી અદાવત સામે આવી હતી. પરંતુ ચર્ચામાં તો રાજસ્થાનના પૂર્વમુખ્યમંત્રી અને ભાજપના નેતા વસુંધરા રાજે પણ રહ્યા. ત્યારે સોશિયલ મીડિયા પર એક સ્ક્રીનશોર્ટ વાયરલ થઈ રહ્યો છે જેની ચર્ચાઓ હાલ થઈ રહી છે. સચિન પાયલોટ જ્યારે ધરણા પર બેઠા હતા ત્યારે તેનું લાઈવ સ્ટીમિંગ ફેસબુક પર ચાલી રહ્યું હતું. એક સ્ક્રીનશોટના આધારે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વસુંધરા રાજે પણ સચિન પાયલોટના ધરણા લાઈવ જોઈ રહ્યા હતા. જોકે જમાવટ આ સ્ક્રીનશોર્ટની પુષ્ટિ નથી કરતું.
ફેસબુક પર ધરણાંનું થઈ રહ્યું હતું લાઈવ સ્ટ્રીમિંગ!
રાજસ્થાન કોંગ્રેસના નેતા અને પૂર્વ ડે. સીએમ સચિન પાયલોટે પોતાની પાર્ટી અને મુખ્યમંત્રી અશોક ગેહલોત સામે બાયો ચઢાવી છે. કોંગ્રેસમાં ચાલતા આંતરિક ડખા સામે આવી રહ્યા છે. જયપુરના શહીદ સ્મારક સ્થળ પર ધરણા ધર્યા હતા. આ ધરણા માટે કોંગ્રેસે સમર્થન આપ્યું ન હતું. હાઈકમાન્ડ દ્વારા ચેતવણી પણ આપવામાં આવી હતી પરંતુ તે ઉપરાંત પણ સચિન પાયલોટે ધરણાં ધર્યા હતા. આ ધરણાનું લાઈવ સ્ટ્રીમિંગ ફેસબુક પર કરવામાં આવી રહ્યું હતું.
વસુંધરા રાજે જોઈ રહ્યા હતા ધરણાનું લાઈવ સ્ટ્રીમિંગ!
એક સ્ક્રીનશોર્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સચિન પાયલોટના ધરણાનું લાઈવ સ્ટ્રીમિંગ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ જોઈ રહ્યા હતા. રાજે ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓમ પ્રકાશ માથુર પણ આ લાઈવ જોઈ રહ્યા હતા. આ વાયરલ થઈ રહેલા સ્ક્રીનશોર્ટની પુષ્ટિ જમાવટ કરતું નથી.
પ્રેસ કોન્ફરન્સમાં ધરણાં અંગેની પાયલોટે આપી હતી માહિતી!
જે સ્ક્રીનશોર્ટ વાયરલ થઈ રહ્યો છે તેમાં વસુંધરા રાજેનું વેરિફાઈડ એકાઉન્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે આ વાત એટલા માટે ચર્ચાનો વિષય બની રહી છે કારણ કે સચિન પાયલોટને કોંગ્રેસનું સમર્થન નથી મળી રહ્યું. હાઈકમાન્ડ સચિન પાયલોટથી દૂરી બનાવા માગે છે. 9 એપ્રિલના રોજ સચિન પાયલોટે પ્રેસ કોન્ફરન્સ કરી ધરણાં અંગેની જાહેરાત કરી હતી.
હાઈકમાન્ડની ચેતવણી બાદ પણ સચિને કર્યા હતા ધરણાં!
વસુંધરા રાજેની સરકાર દરમિયાન કથિત રીતે થયેલા ઘોટાળાઓ અંગે કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટનો દાવો છે કે આ મુદ્દો મુખ્યમંત્રી સમક્ષ અનેક વખત ઉઠાવવામાં આવ્યો છે પરંતુ કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. હાઈકમાન્ડની ચેતાવણી બાદ પણ સચિન પાયલોટે ધરણાં ધર્યા હતા ત્યારે આવનાર સમયમાં રાજનીતિનો કયો નવો રંગ જોવા મળે છે તે જોવું રહ્યું.