લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. ગઈ કાલે આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઠિયાની પાર્ટીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. આપના રાજકોટના અગ્રણી નેતા વશરામ સાગઠિયાએ તેમની બરતરફી મુદ્દે જો કે મોટો ખુલાસો કર્યો હતો કે તેમણે પહેલા જ રાજીનામુ આપી દીધું હતું. આજે વશરામ સાગઠિયા વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે.
સાગઠિયા સહિત 30 આગેવાન કોંગ્રેસમાં જોડાયા
આપ નેતા વશરામ સાગઠિયા સહિત 30 આગેવાન કોંગ્રેસમા જોડાઈ ગયા છે. આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હસ્તે તેમણે ખેસ ધારણ કર્યો હતો.આપ પાર્ટીમાંથી મોહભંગ થનાર વશરામ સાગઠિયાએ તેમના સમર્થકો સાથે ઘર વાપસી કરતા કોંગ્રેસમાં આનંદનો માહોલ છે.
કોંગ્રેસમાં જોડાવાની અગાઉ કરી હતી પુષ્ટી
ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રમુખ પદ સંભાળતા પહેલા પદયાત્રા કરી હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઠિયા પહોંચતા રાજકારણ ગરમાયું હતું. અંતે આમ આદમી પાર્ટીએ તેમને બહારનો રસ્તો દેખાડી દીધો હતો. જમાવટ સાથે વાત કરતી વખતે પણ સાગઠીયાએ આજે કોંગ્રેસમાં જોડાવાની પુષ્ટી કરી હતી.