દેશના અનેક રૂટ પર વંદે ભારત ટ્રેન દોડી રહી છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવે છે. થોડા સમય પહેલા દેશને 2 વંદે ભારત ટ્રેનની ભેટ મળી હતી. ટ્રેનના ટિકિટના ભાડા ઘટશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ભાડા ઘટશે કે નહીં એ અંગે હાલ ચર્ચા નથી કરી પરંતુ આ બધા વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે હવેથી વંદે ભારત સફેદ નહીં પરંતુ કેસરિયા રંગની ટ્રેન ટ્રેક પર દોડશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અનેક તસવીરો શેર કરી છે. આ અંગે માહિતી આપતા રેલવે અધિકારીએ જણાવ્યું કે, વંદે ભારત એક્સપ્રેસના કુલ 25 રેક નિર્ધારિત માર્ગ પર ચાલી રહી છે, બે રેક આરક્ષિત છે. સ્વદેશી ટ્રેનની 28મી રેકનો નવો રંગ ભારતીય તિરંગાથી પ્રેરિત છે અને તેનો રંગ બદલવામાં આવી રહ્યો છે.
ઓરેન્જ કલરમાં દેખાશે વંદે ભારત ટ્રેન!
વંદે ભારત એક્સપ્રેસ હવે નવા રંગરૂપમાં જોવા મળશે. જી હા, પહેલા જે સફેદ રંગની ટ્રેન દેખાતી હતી તે હવે ભગવા રંગમાં દેખાશે. આ અંગેની જાણકારી સ્વયં કેન્દ્રીય રેલવ મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી છે. પોતાના ટ્વિટ પર કેન્દ્રીય મંત્રીએ અનેક ફોટો શેર કર્યા હતા જેમાં નવી વંદે ભારત ટ્રેન કેસરી, સફેદ અને બ્લેક રંગમાં દેખાશે. રેલવે મંત્રી ચેન્નાઈમાં ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી પહોંચ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતું. રેલવે મંત્રીએ જાણકારી આપતા કહ્યું કે કેસરી રંગ ત્રિરંગાથી પ્રેરિત છે.
ટ્રેનની સુવિધામાં કરાયા છે અનેક ફેરફાર
ભગવા રંગ વાળી વંદે ભારત ટ્રેન હાલ ટ્રેક પર નથી દોડી રહી. હાલ તે ચેન્નાઈમાં ઈંટાગ્રલ કોચ ફેક્ટરીમાં ઉભી છે. આ એ જગ્યા છે જ્યાં વંદે ભારત ટ્રેનનું નિર્માણ થાય છે. મહત્વનું છે કે વંદે ભારત ટ્રેનમાં અનેક સુધારા કરવામાં આવી રહ્યા છે. હજી સુધી ટ્રેનમાં 25 સુધારા કરવામાં આવ્યા છે અને આ જે કલર બદલાવમાં આવ્યો છે તે પણ ચેન્જના ભાગરૂપે છે. જેમ જેમ ફીડબેક મળી રહ્યા છે તેમ તેમ સુધારા કરવામાં આવી રહ્યા છે.