લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે. ભરૂચ તેમજ ભાવનગર લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારને ઉભા રાખવાની છે જ્યારે બાકીની 24 બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતારવાની છે. લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા માત્ર 7 બેઠકો માટે જ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે જ્યારે ભાજપ દ્વારા 22 બેઠકો માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. વલસાડ બેઠક માટે કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય અનંત પટેલને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે. ત્યારે વલસાડ બેઠક પર જીત હાંસલ કરવા માટે અનંત પટેલ આમ આદમી પાર્ટીના નેતાઓને મળ્યા હતા અને આગળની રણનીતિ બતાવી હતી.
અનંત પટેલે ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
વલસાડના ઈન્ડિયા ગઠબંધનના ધારાસભ્ય અનંત પટેલે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે. આપ અને કોંગ્રેસ ભેગા થઈને ગુજરાતમાં ચૂંટણી લડવાના છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અને વલસાડ લોકસભાના ઉમેદવાર અનંત પટેલ આપના નેતાઓને કપરાડા મળવા ગયા હતા અને આગળની રણનીતિ અંગે વાત કરી હતી. કાર્યકર્તાઓને જુસ્સો વધારવા અંગે વાત કરી હતી. પોતાના સંબોધનમાં તેમણે ભાજપ પર પ્રહાર કર્યા હતા ઉપરાંત ગઠબંધન શા માટે કરવામાં આવ્યું તે અંગેની પણ વાત કરી હતી.