ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપના અગ્રણી નેતા અને કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વજુભાઈ વાળા કોંગ્રેસનું વિસર્જન કરવાનું કહીં રહ્યા છે અને તેમના આ વીડિયોમાં ગાંધીજીનો પણ ઉલ્લેખ કર્યો. જો કે આ વીડિયો બાદ એ ચર્ચા ચાલી છે કે ખરેખર ગાંધીજીએ કોંગ્રેસના વિસર્જનની વાત કહીં હતી ખરી?
કોંગ્રેસનું વિસર્જન કરવાનું શા માટે કહ્યું હતું?
આઝાદીની લડતમાં કોંગ્રેસનો એક સંસ્થા તરીકે સિંહફાળો રહ્યો છે. જો કે દેશ સ્વતંત્ર થયા બાદ કોંગ્રેસની શું ભૂમિકા રહેશે તે અંગે અંગે પૂછવામાં આવતા ગાંધીજીએ કૉંગ્રેસને દેશની 'જૂનામાં જૂની રાજકીય સંસ્થા' ગણાવીને ગાંધીજીએ કહ્યું હતું, કે સ્વતંત્રતાનાં પહેલાં પાંચ વરસ દરમિયાન આખા દેશની તાકાત દેશના ઘડતરમાં નહીં જોતરાય, તો ત્રીસ વરસની આઝાદીની લડત પર પાણી ફરી જશે. તેથી તેમણે કોંગ્રેસને રાજકીય રીતે વિખેરી એક સામાજીક સંસ્થામાં પરિવર્તીત કરવાની વાત કહીં હતી. ગાંધીજીએ કહ્યું હતું કે રાજકીય આઝાદી મળી ગયા પછી આર્થિક, સામાજિક, નૈતિક સ્વતંત્રતા માટે કૉંગ્રેસે કામ કરવાનું છે અને એ રાજકીય નહીં, પણ રચનાત્મક માર્ગે, અને તે કામ ગામડાંમાં રહીને જ થઈ શકશે. આઝાદી બાદ કોંગ્રેસના યોગદાનની પ્રસંશા કરતા ગાંધીજીએ કહ્યું હતું કે 'અનેક લડતો લડીને કોંગ્રેસે અહિંસાના માર્ગે આઝાદી મેળવી. એવી સંસ્થાને મરવા ન દેવાય. એ તો રાષ્ટ્ર મરે તો જ મરી શકે. જીવંત સંસ્થા ચેતનવાળા પ્રાણીની જેમ વધતી અને વિકાસ પામતી રહે. તેમ ન થાય તો તે મરી જાય.' ગાંધીજીએ કૉંગ્રેસનો રાજકીય આંદોલન માટે ઉપયોગ કર્યો ખરો પણ તેને માત્ર રાજકીય સંસ્થા ગણવાને બદલે રાષ્ટ્રીય સંસ્થા તરીકે જોઈ હતી. આઝાદી મળી ગયા પછી લોકોના ઘડતરની જવાબદારી કૉંગ્રેસની છે, એવું ગાંધીજીને લાગતું હતું.